Farmers Protest : શંભુ બોર્ડર પરથી ખેડૂતો ફરી આ તારીખે કરશે દિલ્હી કુચ, ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કરી જાહેરાત

નવી દિલ્હી : પંજાબ-હરિયાણા સરહદ પાસે શંભુ બોર્ડર પરથી લઘુત્તમ ટેકાના ભાવ અને અન્ય માંગણીઓ સાથે ખેડૂતો 14 ડિસેમ્બરે ફરીથી દિલ્હી કૂચ કરવાનો(Farmers Protest)પ્રયાસ કરશે. ત્યારે શંભુ બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરાત કરી કે ખેડૂતો ફરી એકવાર 14 ડિસેમ્બરે સંપૂર્ણ તાકાત સાથે દિલ્હી તરફ કૂચ કરશે.
સરકાર તરફથી હજુ સુધી કોઈએ અમારો સંપર્ક કર્યો નથી
પત્રકાર પરિષદમાં ખેડૂત આગેવાને કહ્યું કે હવે અમે 14મી ડિસેમ્બરે દિલ્હી જવા રવાના થઈશું. અમારા વિરોધને 303 દિવસ પૂરા થયા છે અને ખેડૂતોના આમરણાંત ઉપવાસને પણ 15મો દિવસ પૂરો થયો છે. અમે હંમેશા ખુલ્લા દિલથી વાતચીતનો સ્વીકાર કર્યો છે. સરકાર તરફથી હજુ સુધી કોઈએ અમારો સંપર્ક કર્યો નથી
101 ખેડૂતનું જુથ દિલ્હી જશે
તેમણે વધુમાં કહ્યું કે બંને સંગઠનોએ નિર્ણય કર્યો છે કે અમે 14મીએ 101 ખેડૂતના જુથને સાથે દિલ્હી કૂચ કરીશું. બુધવારે અમે ખેડૂતોના આંદોલનની સફળતા માટે પ્રાર્થના કરીશું. અમે તે ખેડૂતોને મુક્ત કરવાની માંગ કરીએ છીએ જેમની વિરોધ દરમિયાન ધરપકડ અથવા અટકાયત કરવામાં આવી હતી. હું ફિલ્મ સ્ટાર્સ, ગાયકો અને ધાર્મિક નેતાઓને વિનંતી કરું છું કે કૃપા કરીને પ્રદર્શન કરીને અમારા વિરોધનો પ્રચાર કરો.
આ અગાઉ પણ કુચ કરવાનો કર્યો હતો પ્રયાસ
આ પૂર્વે પણ યુનાઈટેડ કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાના બેનર હેઠળ 101 ખેડૂતોના જૂથે 6 અને 8 ડિસેમ્બરે દિલ્હી તરફ આગળ વધ્યું હતું, પરંતુ હરિયાણામાં પોલીસે તેમને રોક્યા હતા. આ દરમિયાન ખેડૂતો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી, ત્યારબાદ ખેડૂતોને અટકાવવા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. આ દરમિયાન અનેક ખેડૂતો ઘાયલ થયા હતા.
સુપ્રીમ કોર્ટે સુનાવણીનો ઇનકાર કર્યો હતો
જોકે, તેની બાદ સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર પર ખેડૂતોના આંદોલનના મુદ્દે દાખલ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું, અમે આ મુદ્દે દાખલ કરવામાં આવેલી નવી અરજી પર સુનાવણી કરવા તૈયાર નથી. કોર્ટ પહેલાથી જ આ મામલે સુનાવણી કરી રહી છે. આ બાબત તેમના ધ્યાનમાં છે.આ અંગે પહેલેથી જ એક કેસ પડતર છે.
શંભુ અને ખનૌરી બોર્ડર પર ખેડૂતોનો પડાવ
ઉલ્લેખનીય છે કે, ખેડૂતો દિલ્હી જવા માટે 13 ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણાની વચ્ચે શંભુ અને ખનૌરી બોર્ડર પર પડાવ નાખી રહ્યા છે. આ પહેલા ખેડૂતોએ 13 અને 21 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ અને વહીવટીતંત્રએ તેમને સરહદ પર રોક્યા હતા.