Attack on ED Team: TMCનેતા, સંદેશખાલીનો ‘ભાઈ’, ફિશ માર્કેટનો બાહુબલી અને… જાણો કોણ છે સહજહાં શેખ
કોલકાતા: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ તૃણમુલ કોંગ્રેસ(TMC)ના કાર્યકર્તાઓના ટોળાએ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ‘ભાઈ’ના નામથી પ્રખ્યાત TMC નેતા સહજહાં શેખની ચર્ચાના કેન્દ્રમાં છે. તેને ED અધિકારીઓ પર હુમલા પાછળનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે.
અહેવાલ મુજબ સહજહાં શેખ બાંગ્લાદેશની સરહદ નજીક આવેલા ઉત્તર 24 પરગના જિલ્લાના સંદેશખાલી માછલીના કળાબજારના ધંધા સાથે સંકળાયેલો હતો. ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટા સહજહાં શેખે સંદેશખાલીમાં માછલી ઉછેર અને ઈંટના ભઠ્ઠા કામદારોના નેતા તરીકે શરૂઆત કરી હતી અને હવે તે રાજ્યના મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં એક મોટું નામ બની ગયું છે.
2004 માં, તેમણે ઈંટ ભઠ્ઠા સંઘના નેતા તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો. બાદમાં પશ્ચિમ બંગાળમાં બદલાતા રાજકીય માહોલ છતાં તેણે દબદબો જાળવી રાખીને સ્થાનિક CPI(M) યુનિટમાં જોડાયો. તેમના જ્વલંત ભાષણો અને સંગઠનાત્મક કુશળતા માટે જાણીતા સહજહાં શેખે 2012 માં TMC નેતૃત્વનું ધ્યાન ખેંચ્યું.
ટીએમસીના તત્કાલીન રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ રોય અને ઉત્તર 24 પરગણા ટીએમસી જિલ્લા પ્રમુખ જ્યોતિપ્રિયા મલિકના નેતૃત્વ હેઠળ, તે પાર્ટીમાં જોડાયો હતો. જ્યારે ટીએમસી સત્તામાં આવી, ત્યારે તે વધારે વગદાર બન્યો અને મલ્લિકનો નજીકનો સહયોગી બન્યો. ત્યારથી, સત્તામાં તેની મહત્વાકાંક્ષા સતત વધી રહી છે.
શેખને 2018 માં સરબેરિયા અગરઘાટી ગ્રામ પંચાયતના નાયબ વડા તરીકે ઓળખ મળી. તે હાલમાં સંદેશખાલી ટીએમસી એકમનો પ્રમુખ છે. ગયા વર્ષે જ્યારે તે જિલ્લા પરિષદની બેઠક જીત્યો ત્યારે ટીએમસીમાં તેમનું રાજકીય કદ વધુ વધ્યું હતું. તે ઉત્તર 24 પરગણા જિલ્લાના માછીમારીના વ્યવસાય પર નજર રાખે છે.
રાજકીય ભૂમિકાઓ ઉપરાંત, સહજહાં શેખ આ પ્રદેશમાં કૌટુંબિક અને જમીન વિવાદોને ઉકેલવા માટે લોકપ્રિય છે. શેખનો નાનો ભાઈ ટીએમસીનો સક્રિય કાર્યકર છે. સ્થાનિક લોકોમાં કેટલાક શેખને મસીહા માને છે તો કેટલાક બાહુબલી. તે વિસ્તારમાં ‘ભાઈ’ તરીકે ઓળખાય છે.
ઉત્તર 24 પરગણા અને ખાસ કરીને સંદેશખાલીમાં સહજહાં શેખનું નામ આદર અને ભય બંને સાથે લેવાય છે. જૂન 2019 માં લોકસભાની ચૂંટણી પછી, સંદેશખાલીમાં ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી અને બંને પક્ષોના મોત થયા હતા. આ ઘટનાઓ સાથે સહજહાં શેખનું નામ પણ જોડાયેલું હતું અને તેની સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે.
રાજેતરમાં EDની ટીમ રાશન વિતરણ કૌભાંડની તપાસ કરવા ટીએમસી નેતા સહજહાં શેખના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. શેખના સમર્થકોએ EDના અધિકારીઓ અને તેમના વાહનોને નિશાન બનાવ્યા હતા. જ્યારે ટોળાએ હુમલો કર્યો ત્યારે ED અધિકારીઓ સાથે 27 CRPF જવાનો પણ હાજર હતા. હુમલામાં EDના ત્રણ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટોળાએ અધિકારીઓના મોબાઈલ ફોન, લેપટોપ, રોકડ અને પાકીટ પણ છીનવી લીધા હતા. હવે ED અધિકારીઓ પર ઘાતકી હુમલાથી બનાગલનું રાજકારણ વધુ ગરમાયું છે. વિપક્ષ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી રહ્યો છે, જ્યારે રાજ્યપાલ સીવી આનંદ બોઝે રાજ્ય સરકારને ‘ગુંડાગીરી’ સમાપ્ત કરવા કહ્યું હતું. તેમણે કહ્યું કે બંગાળ ‘બનાના રિપબ્લિક’ નથી.
BJP IT સેલના વડા અમિત માલવિયાએ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં, શાહજહાં શેખને પણ હુમલા માટે જવાબદાર ગણાવ્યો હતો અને TMC નેતાઓની ટીકા કરી હતી કે તેઓ તેમનો બચાવ કરે છે.