
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી ખાતે તાજેતરમાં સરેઆમ લૂંટની ઘટના સામે આવી હતી. પશ્ચિમ પટેલ નગરમાં આવેલા એક પાન પાર્લરમાં લૂંટારૂઓ ત્રાટક્યા હતા. જેથી દુકાનદારે લૂંટનો વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ લૂટારૂંઓએ છરીના ઘા મારીને દુકાનદારનું ઢીમ ઢાળી દીધું હતું. જોકે, આ લૂંટના એક આરોપીને પોલીસે 24 કલાકમાં પકડી પાડ્યો છે.
પોલીસ સાથે આરોપીની અથડામણ
25 નવેમ્બર, 2025ને મંગળવારની મોડી રાત્રે પશ્ચિમ દિલ્હીના પટેલ નગર વિસ્તારમાં પોલીસ અને એક વોન્ટેડ ગુનેગાર વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસને માહિતી મળી હતી કે, 24 નવેમ્બર, 2025ના રોજ એક પાન પાર્લરમાં લૂંટ અને હત્યાની ઘટનાને અંજામ આપનાર આરોપી મોહમ્મદ મહેતાબ શાદીપુર ફ્લાયઓવર નીચે છુપાયેલો છે. તેથી SHO પટેલ નગરની ટીમે બાતમીના સ્થળે પહોંચીને તેને ઘેરી લીધો હતો.
પોલીસે આરોપી મહેતાબને પકડવાનો પ્રયાસ કરતા જ, તેણે પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. પોલીસે પણ વળતો ગોળીબાર કર્યો, જેમાં આરોપી મહેતાબ ઘાયલ થયો હતો. મહેતાબને તેની જમણી જાંઘમાં ગોળી વાગતા તે ઘાયલ થયો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે તાત્કાલિક ઘાયલ મહેતાબને પકડી લીધો હતો અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઇન્સ્પેક્ટર અનિલ કુમારની દેખરેખ હેઠળ આ કેસની તપાસ ચાલી રહી છે અને ગુનામાં સામેલ અન્ય આરોપીઓની શોધ ચાલી રહી છે.



