
નવી દિલ્હીઃ છત્તીસગઢના મુંગેલીમાં મોટી દુર્ઘટના બની હતી. એક પ્લાન્ટની ચીમની ધરાશાયી થતાં નીચે ઘણા શ્રમિકો દબાયા હતા. જેમને બહાર કાઢવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઓછામાં ઓછા 25 મજૂરો ફસાયા હોવાની આશંકા છે. ઘટના બાદ પોલીસ અને તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક ગામલોકો પણ ઘટનાની જાણ થતાં પહોંચી ગયા હતા અને બચાવ કાર્યમાં લાગી ગયા હતા.
આ ઉપરાંત આસપાસના જિલ્લાઓ વિલાસપુર, રાયગઢ અને જાંજગીર ચાંપાથી પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ બોલાવવામાં આવી છે. જિલ્લાની તમામ હૉસ્પિટલોને એલર્ટ રહેવા જણાવાયું છે. શ્રમિકો જમતા હતા ત્યારે આ દુર્ઘટના બની હોવાનું કહેવાય છે.
મુંગેલીના એસપી ભોજરાજે જણાવ્યુ, પોલીસ તંત્ર અને મેનેજમેન્ટની ટીમ સ્થળ પર પહોંચી ચુકી છે. કાટમાળ હટ્યા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. મેનેજમેન્ટ અને પોલીસની ટીમ બચાવ કામગીરીમાં લાગેલી છે.
બેદરકારીનો લગાવ્યો આરોપ
ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં લોકો અને શ્રમિકો ઉમટી પડ્યા છે. કાટમાળમાંથી શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવાની તેમજ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી રહ્યા છે. દોષિતો પર કાર્યવાહી કરવાની અને દુર્ઘટનામાં પ્રભાવિત પરિવારોને વળતર આપવાની પણ તેઓ માંગ કરી રહ્યા છે. સ્થાનિકોએ આ દુર્ઘટના માટે પ્લાન્ટ મેનેજમેન્ટને જવાબદાર ગણાવ્યું છે.