આસામમાં પૂરથી સાત લાખ અસરગ્રસ્તઃ 13 નદી ભયજનક સપાટીએ વહેતી
ગુવાહાટી: આ વર્ષે ૨૦ જિલ્લાઓમાં ૬.૭૧ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા બાદ મંગળવારે આસામની પૂરની સ્થિતિ ગંભીર બની હતી. ભારતીય વાયુસેનાએ ગંભીર રીતે અસરગ્રસ્ત દિબ્રુગઢ જિલ્લામાંથી પાણીમાં ફસાયેલા ૧૩ માછીમારને બચાવ્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
બ્રહ્મપુત્રા સહિત ઓછામાં ઓછી ૧૩ મોટી નદીઓ વિવિધ સ્થળોએ ભયના સ્તરથી ઉપર વહી રહી છે, જેમાં કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ભારતીય સેનાના જવાનોને પણ ગોલાઘાટ જિલ્લામાં રાહત કામગીરીમાં જોડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: આસામમાં અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત
૧૫૯ ડીપ ડાઇવર્સ સહિત કુલ ૬૧૪ એસ ડી આર એફનાં જવાનો, ૨૯૫ બોટ સાથે ૫૪ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ની વિનંતી પર, ડિબ્રુગઢના વિસ્તાર હટિયા અલીમાંથી ફસાયેલા માછીમારોને બચાવવામાં આવ્યા હતા.
ભારતીય વાયુસેનાએ એક્સ પર બચાવ કામગીરી સાથે સંબંધિત ફોટા શેર કરતા લખ્યું: “#ભારતીય વાયુસેનાએ આસામના દિબ્રુગઢની ઉત્તરે, પૂરગ્રસ્ત બ્રહ્મપુત્રાના એક નાનકડા ટાપુ પરથી ૧૩ લોકોને બચાવ્યા. આજે સૂર્યોદય પછી એક મી-૧૭ હેલિકોપ્ટરે પડકારજનક હવામાન પરિસ્થિતિઓમાં ઉડાન ભરી હતી અને મોહનબારીમાંથી બચાવ કામગીરી હાથ ધરી હતી. રવિવારે એમણે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના આઠ જવાનો અને ધેમાજી જિલ્લાના જોનાઈમાંથી એક મહેસૂલ અધિકારીને બચાવ્યા હતા.