સંસદમાં ઘૂસેલા પ્રદર્શનકારીઓને સાત દિવસના રિમાન્ડ
નવી દિલ્હી: સંસદ ભવનમાં ચાર વ્યક્તિએ સ્મોક બોમ્બ લઈને ઘૂસી ગયેલા ચારેય આરોપીઓને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા બાદ કોર્ટે ચારેયને સાત દિવસના રિમાન્ડ આપ્યા હતા. આ ઘટના બાદ સંસદ ભવનનું સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઊભા કરવામાં આવી રહ્યા છે. સંસદભવનમાં વિરોધ પ્રદર્શન કરવા આવેલા ચાર આરોપીઓને પટિયાલા હાઉસ કોર્ટે સાત દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે.
દિલ્હી પોલીસે આ ચારેય આરોપી નીલમ આઝાદ, અમોલ શિંદે, સાગર શર્મા અને મનોરંજન ડીકેને 15 દિવસ માટે પોલીસ રિમાન્ડમાં મોકલવાની અરજી કરી હતી, જેને પટિયાલા હાઉસ કોર્ટે માન્ય કરી હતી. બુધવારે લોકસભામાં ચાલતા સત્ર દરમિયાન સાગર શર્મા અને મનોરંજન ડીએ કલર સ્મોક બોમ્બ સળગાવી ગેલરીથી હૉલમાં પ્રવેશ કર્યો હતો તેમ જ નીલમ આઝાદ અને અમોલ શિંદેએ સંસદભવનની બિલ્ડિંગની બહાર સૂત્રોચ્ચાર કરતાં સ્મોક બોમ્બનો ઉપયોગ કર્યો હતો.
આ મામલે હવે પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં આ સ્મોક બોમ્બને મહારાષ્ટ્રથી ખરીદ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસ રિમાન્ડમાં મોકલવામાં આવેલા ચારેય આરોપી દેશના જુદા જુદા વિસ્તારોના છે, જેમાં લખનઉ, ગુરુગ્રામ અને મૈસુર નજીકની જગ્યાએ રાખવામા આવે એવી શક્યતા છે. આ દરેક પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે. જેમાં નવી બાબતો સામે આવશે એવું સૂત્રોએ જણાવ્યુ હતું.
આ મામલે કોઈ રાજકીય કનેક્શન છે કે નહીં?, આવું કરવામાં માટે કોણે પૈસા પૂરા પડ્યા બાબતે તપાસ કરવામાં આવશે, એવું પણ સૂત્રોએ જણાવ્યુ હતું. આ ચારેય આરોપીની પોલીસ રિમાન્ડને લઈને તેમના વકીલે કહ્યું કે સાતને બદલે પાંચ દિવસ કરવી જોઈએ.