નેશનલ

ભારત આવી રહેલી અમારી ટ્રકને આગ લગાવી દીધી: તાલિબાન સરકારનું મહત્વનું નિવેદન

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે તોરખમ બોર્ડર બંધ કરવાના પાકિસ્તાનના નિર્ણયની આલોચના કરી છે. અફઘાનિસ્તાનના વિદેશખાતાએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાને તોરખમ ગેટ બંધ કરી સુરક્ષા ચોકી પાસે સમારકામ કરી રહેલા અફઘાન સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું.

તાલિબાન સરકાર પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર અફઘાનિસ્તાન તરફી જગ્યા પર બંકરોનું નિર્માણ કરાવી રહી છે. પાકિસ્તાને આ મુદ્દે સરહદી સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત પાકિસ્તાની સેનાએ જ્યારે નિર્માણ બંધ કરવા માટે કહ્યું તો બંને દેશના જવાનો આમનેસામને આવી ગયા હતા. આ દરમિયાન ફાયરિંગ પણ થયું.

ફાયરિંગની ઘટના બાદ પાકિસ્તાને તોરખમ સરહદ બંધ કરી દીધી. આ મુદ્દે અફઘાનિસ્તાનના વિદેશ ખાતાએ ચિંતા વ્યક્ત કરતા નિવેદન આપ્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિઓથી બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને નુકસાન થઇ શકે છે એટલું જ નહિ, અફઘાન મંત્રાલયે એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે અફઘાનિસ્તાનથી ભારત જઇ રહેલા અંજીર ભરેલા ટ્રકને બલુચિસ્તાન પ્રાંત પાસે આગ લગાવી દેવાઇ હતી. આ પ્રકારની ઘટનાઓથી બંને દેશ વચ્ચે અવિશ્વાસ પૈદા થાય છે.

અફઘાનિસ્તાનની સરકારે પાકિસ્તાન પર આક્ષેપ કર્યો છે કે કરાંચી બંદર પર પાકિસ્તાન સમસ્યાઓ ઉભી કરે છે. અફઘાનિસ્તાનમાં જ્યારે તાજા ફળોની ઋતુ આવે છે ત્યારે પાકિસ્તાન તેની સરહદો બંધ કરી દે છે. અને બંને દેશો વચ્ચે વેપાર થઇ શકતો નથી. આ પ્રકારના પગલા બંને દેશોની અર્થવ્યવસ્થાને ફટકો પહોંચાડે છે.

તોરખમ સરહદ બંને દેશો વચ્ચેની વાણિજ્યિક પ્રવૃત્તિઓ માટે અતિ મહત્વનો વિસ્તાર ગણાય છે. તોરખમ સરહદ દ્વારા જ બંને દેશો વચ્ચે મોટાભાગે આવનજાવન થાય છે. અહીં સૌથી વધુ પશ્તું લોકોની વસ્તી છે જેઓ દરરોજ સરહદ પાર કરે છે. બોર્ડરના રસ્તા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને જોડે છે. જ્યાંથી દરરોજ ટ્રકની આવનજાવન થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button