
નવી દિલ્હી: આજથી સપ્ટેમ્બર મહિનાનો શરૂ થઈ ચૂક્યો છે. સપ્ટેમ્બર મહિના શરૂઆત સાથે દેશમાં ઘણા મહત્વના ફેરફાર પણ થઈ ચૂક્યા છે. જે સામાન્ય લોકોના નાણાકીય જીવનને અસર કરશે.
આધાર કાર્ડ અપડેટ, આવકવેરા રિટર્ન (ITR), યૂનિફાઈડ પેન્શન સ્કીમ (UPS), ક્રેડિટ કાર્ડના નિયમો, એલપીજી સિલિન્ડર, સીએનજી-પીએનજી અને જેટ ફ્યૂઅલની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે. આ ઉપરાંત, ભારતીય ડાકની સેવાઓ અને બેંકોની ખાસ FD યોજનાઓમાં પણ ફેરફારની જાહેરાત કરવામાં આવી છે.
મહત્વના નિયમોમાં ફેરફાર
સપ્ટેમ્બર મહિનામાં નાણાકીય અને સેવાઓ સાથે જોડાયેલા ઘણા ફેરફારો થવાના છે. આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ, યૂનિફાઈડ પેન્શન સ્કીમની પસંદગી, ભારતીય ડાકની સ્પીડ પોસ્ટ સેવા, SBI ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ્સ, બેંકોની ખાસ FD યોજનાઓ, અને એલપીજી, સીએનજી-પીએનજીની કિંમતોમાં ફેરફારનો સમાવેશ થાય છે. આ ફેરફારો લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરશે, તેથી આ વિશે જાણવું જરૂરી છે.

આવકવેરા રિટર્ન અને યુપીએસ
આવકવેરા વિભાગે આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરવાની અંતિમ તારીખ 30 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર, 2025 કરી છે. આ તારીખ સુધી રિટર્ન ફાઈલ ન કરવાથી નોટિસ આવી શકે છે, તેથી કરદાતાઓએ સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.
આ ઉપરાંત, રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) હેઠળના કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે યૂનિફાઈડ પેન્શન સ્કીમ (UPS) પસંદ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2025 છે, જે અગાઉ 30 જૂન હતી. આ યોજના સરકારી કર્મચારીઓ માટે ખાસ લાભદાયી છે.

ડાક સેવા અને ક્રેડિટ કાર્ડ
ભારતીય ડાક વિભાગે 1 સપ્ટેમ્બર, 2025થી ઘરેલુ પત્રોની સેવાને સ્પીડ પોસ્ટ સાથે જોડી દીધી છે. એટલે કે આજ થી સામાન્ય ડાકને બદલે દેશમાં પંજીકૃત ડાક માત્ર સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલી શકશે.
આ ઉપરાંત, SBI કાર્ડે 1 સપ્ટેમ્બરથી તેના કેટલાક ક્રેડિટ કાર્ડ્સ માટે રિવોર્ડ પોઈન્ટ્સના નિયમોમાં ફેરફાર કર્યો છે. ડિજિટલ ગેમિંગ અને સરકારી વેબસાઈટ્સ પર ખર્ચ પર હવે રિવોર્ડ પોઈન્ટ્સ મળશે નહીં, જેની અસર કાર્ડધારકોના લાભો પર થશે.
બેંક FD અને ઈંધણની કિંમતો
ઇન્ડિયન બેંક અને IDBI બેંકની ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજનાઓમાં રોકાણની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2025 છે. આ યોજનામાં ઇન્ડિયન બેંકની 444-દિવસ અને 555-દિવસની યોજનાઓ તેમજ IDBI બેંકની 444-દિવસ, 555-દિવસ અને 700-દિવસની FD નો સમાવેશ થાય છે, જેની છેલ્લી તારીખી આ મહિનાના આખરમાં છે.

LPGની કિંમતો થઈ સસ્તી
આ ઉપરાંત, 1 સપ્ટેમ્બરથી એલપીજી સિલિન્ડર, સીએનજી, પીએનજી અને જેટ ફ્યૂઅલની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે. ઓગસ્ટમાં દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત ₹33.50 ઘટીને ₹1,631.50 થઈ હતી, જ્યારે ઘરેલું રસોઈ ગેસની કિંમત ₹853 યથાવત છે.
આ પણ વાંચો…સપ્ટેમ્બર 2025માં અડધો મહિનો બેંકો બંધ! RBIની આ યાદી જોઈને બેંકનું કામ પતાવજો…