ભારતના કટ્ટર વિરોધી પોલ ઇંગ્રાસીયાની વ્હાઈટ હાઉસમાં નિયુક્તિના મુદ્દે સેનેટમાં હંગામો | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

ભારતના કટ્ટર વિરોધી પોલ ઇંગ્રાસીયાની વ્હાઈટ હાઉસમાં નિયુક્તિના મુદ્દે સેનેટમાં હંગામો

વોશિંગ્ટન : અમેરિકામાં ભારતના કટ્ટર વિરોધી અને નાઝી વિચાર ધારાના સમર્થક પોલ ઇંગ્રાસીયાને વ્હાઇટ હાઉસમાં સ્પેશિયલ કાઉન્સેલના વડા તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

જેના પગલે યુએસ સેનેટમાં તેમના વિચારોના મુદ્દે હંગામો શરુ થયો છે. જેમાં ઇંગ્રાસીયાની જૂની સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને નિવેદનોમાં ભારતીયો વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષાનો ખુલાસો થયો છે. જેના કારણે સેનેટમાં તેમની સામે કડક કાર્યવાહીની શક્યતા વધી ગઈ છે.

આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન અપાતા વ્હાઇટ હાઉસે નારાજગી વ્યક્ત કરી…

ભારતીયોને અવિશ્વસનીય ગણાવ્યા હતા

આ અંગે મળતી માહિતી મુજબ એક જૂના ટ્વિટમાં, ઇંગ્રાસીયાએ ભારતીયોને “અવિશ્વસનીય” ગણાવ્યા હતા અને ક્યારેય કોઈ ભારતીય પર વિશ્વાસ ન કરવાનું કહ્યું હતું. તેમજ તેમના સોશિયલ મીડિયા પર નાઝી વિચારધારા સંબંધિત પોસ્ટ્સ મળી આવી છે. જેમાં એડોલ્ફ હિટલરની પ્રશંસા અને યહૂદીઓ વિરુદ્ધની ટિપ્પણીઓનો સમાવેશ થાય છે.

સેનેટર રિક સ્કોટે ઉમેદવારીની સખત નિંદા કરી

તેમજ હાલમાં આ મેસેજ પ્રકાશમાં આવતા તમામ રાજકીય પક્ષોમાં આક્રોશ છે. જયારે ફ્લોરિડા રિપબ્લિકન સેનેટર રિક સ્કોટે ઉમેદવારીની સખત નિંદા કરી હતી. તેમણે કહ્યું, હું તેમને ટેકો આપતો નથી. હું કલ્પના પણ કરી શકતો નથી કે આ દેશમાં કોઈ યહૂદી વિરોધી કેવી રીતે હોઈ શકે.

જયારે ઉમેદવારી પત્રની ચકાસણી કરતી સેનેટ સમિતિના સભ્ય, વિસ્કોન્સિન સેનેટર રોન જોહ્ન્સને પણ ઇન્ગ્રાસિયાને ઉમેદવારી પરત ખેંચવાની માંગ કરી હોવાનું કહેવાય છે. આ દરમિયાન, સેનેટર રેન્ડ પોલના કાર્યાલયે વ્હાઇટ હાઉસને બધી ટિપ્પણીઓ સબમિટ કરી દીધી છે. પરંતુ વ્હાઇટ હાઉસ તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી.

આપણ વાંચો: કતાર પર મિસાઈલ હુમલા બદલ નેતન્યાહૂએ માફી માંગી! જાણો વ્હાઇટ હાઉસમાં શું થયું…

ચીની કે ભારતીયો પર વિશ્વાસ ન કરવા ચેતવણી આપી હતી

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં ઇંગ્રાશિયાએ કોઈપણ ચીની કે ભારતીયો પર વિશ્વાસ ન કરવા ચેતવણી આપી હતી. તેમજ તેમણે આ અંગે તત્કાલીન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીનું નામ પણ લીધું હતું.

ઈંગ્રાસિયા એક વકીલ અને રાજકીય વિશ્લેષક

ઉલ્લેખનીય છે કે, પોલ ઈંગ્રાસિયાનો જન્મ વર્ષ 1995માં થયો છે. 30 વર્ષીય પોલ ઈંગ્રાસિયા એક વકીલ અને રાજકીય વિશ્લેષક છે. તેઓ હાલમાં વ્હાઇટ હાઉસમાં હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના સંપર્ક અધિકારી તરીકે સેવા આપે છે.

કોર્નેલ લો સ્કૂલના સ્નાતક, ઈંગ્રાસિયાએ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન વ્હાઇટ હાઉસમાં ઇન્ટર્નશિપ લીધી હતી અને પોતાને રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રિય લેખક ગણાવે છે. તેમનું સબસ્ટેક ન્યૂઝલેટર રાજકીય મંતવ્યો વ્યક્ત કરવા માટેનું એક પ્રાથમિક પ્લેટફોર્મ રહ્યું છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button