જેલમાંથી સારવારના બહાને બહાર આવેલા આસારામે કરી આવી હરકત, પોલીસ બની મુકપ્રેક્ષક
પાલનપુરઃ રાજસ્થાનની જોધપુર જેલમાં દુષ્કર્મના કેસમાં સજા કાપતા આસારામને કોર્ટે થોડા દિવસ પહેલા સારવારના નામે જામીન આપ્યા હતા. શનિવારે આસારામ તેના અનુયાયીઓ સાથે પાલનપુરના મહેશ્વરી હોલમાં આવ્યો હતો અને જામીનની શરતોને નિયમો મૂકી સાધકોને સંબોધ્યા હતા. આ સમયે પોલીસ પણ મૂકપ્રેક્ષક બની હતી. તેમજ મીડિયાનો ફોટો લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ અંગ પોલીસના જણાવ્યા મુજબ, આસારામને પાલનપુરમાં સભા કરવા માટે કોઈ મંજૂરી આપવામાં આવી નહોતી. પેરોલ પર આવેલા આસારામને રાજસ્થાન પોલીસનું શરણું મળી ગયું હતું. આસારામને 31 માર્ચ સુધી પેરોલ મળ્યા છે, જેમાં સભા કે સરઘસ પર પ્રતિબંધ મૂક્યો છે. હાલ આસારામ અલગ અલગ જગ્યાએ તેના અનુયાયીઓને મળવા જઈ રહ્યો છે. તેણે પાલનપુરમાં સત્સંગ કાર્યક્રમ યોજીને કોર્ટની શરતનો ભંગ કર્યો હતો. આ મામલે કોઈ પગલા લેવામાં આવ્યા નથી. આ ઉપરાતં આસારામ પાલનપુર આવ્યો ત્યારે મીડિયાકર્મીને કવરેજ કરતાં પણ અટકાવાયા હતા.
આ પણ વાંચો:
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આસારામને ત્રણ પોલીસકર્મીઓની એસ્કોર્ટ આપવામાં આવશે. તેમાં એવી શરત રહેશે કે, તે પુરાવા સાથે ચેડાં નહીં કરે. ઉપરાંત, તેને પોતાના અનુયાયીઓને સામૂહિક રૂપે મળવાની મંજૂરી નહીં મળે.
12 વર્ષમાં પ્રથમ વખત જામીન મળ્યા
ગાંધીનગરના આશ્રમમાં મહિલા અનુયાયી પર બળાત્કારના કેસમાં 7 જાન્યુઆરીએ આસારામને સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી જામીન આપ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટે આસારામને તેમના અનુયાયીઓને ન મળવાની સૂચના આપી હતી. આ પછી જોધપુર રેપ કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 14 જાન્યુઆરીએ 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. આ સમયગાળા દરમિયાન આસારામને દેશના કોઈપણ આશ્રમમાં રહેવાની છૂટ આપવામાં આવી છે. તે હોસ્પિટલ કે આશ્રમમાં પણ સારવાર કરાવી શકશે.