જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં સુરક્ષા દળોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો
મોટી માત્રમાં હથિયારોનો મળી આવ્યા
ભારતીય સુરક્ષા દળોએ જવાનોએ જમ્મુ-કાશ્મીરના બારામુલાના ઉરી સેક્ટરમાં પાકિસ્તાનથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ગુપ્તચર એજન્સીઓ અને જમ્મુ કાશ્મીર પોલીસને સીમા પારથી ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ દ્વારા ઉરી સેક્ટરમાં સંભવિત ઘૂસણખોરી અંગેના ઇનપુટ મળ્યા હતા. નિયંત્રણ રેખા પર આતંકવાદીઓ અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે ગોળીબાર પણ થયો હતો. ઘટનાસ્થળેથી મોટી સંખ્યામાં હથિયારો સાથે લોહીના ડાઘવાળી થેલીઓ મળી આવી હતી.
સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, 21 ઓક્ટોબરના રોજ સતત વરસાદ અને ઓછી વિઝીબીલીટીનો ફાયદો ઉઠાવીને સશસ્ત્ર આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. બપોરે 3 વાગ્યાની આસપાસ સતર્ક સૈનિકોએ તેમને ચેતવણી આપી હતી ત્યારબાદ બંને તરફથી ગોળીબાર શરૂ થયો. બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, બાકીના આતંકવાદીઓ તેમના મૃતદેહો લઈને સ્થળ પરથી ભાગી ગયા હતા.
સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે રવિવારે ઘટના સ્થળની તપાસ કરવામાં આવી હતી. ઘટનાસ્થળેથી યુદ્ધમાં વપરાય એવા ભારે હથિયારો મળી આવ્યા છે. બે એકે સિરીઝની રાઈફલ, છ પિસ્તોલ, ચાર ચાઈનીઝ ગ્રેનેડ, ધાબળા અને લોહીથી ખરડાયેલી બે બેગ પણ મળી આવી હતી. આ સાથે પાકિસ્તાની અને ભારતીય ચલણી નોટો, દવાઓ અને ખાદ્ય સામગ્રી પણ મળી આવી હતી. આતંકવાદીઓ કોઈ મોટા હુમલાના ઈરાદા સાથે ભારતમાં ઘુસવા પ્રયત્નો કરી રહ્યા છે.