હિંડન એરબેઝની સુરક્ષા ખોરવાઇ, બાઉન્ડ્રી વોલ પાસે 4 ફૂટની સુરંગ જોવા મળતા અધિકારીઓ થયા દોડતા
ગાઝિયાબાદ: ભારતીય વાયુસેનાના હિડન એરબેઝની સુરક્ષામાં મોટી ચૂક ઉભી કરવાના પ્રયાસો બહાર આવ્યા છે. ઇરશાદ કોલોની ક્ષેત્રમાં એરબેઝની બાઉન્ડ્રી વોલ પાસે 4 ફૂટ ઉંડી સુરંગ જોવા મળી છે. સ્થાનિકોએ સુરંગની જાણ પોલીસને કરી હતી. ભારતીય વાયુસેનાએ ફરિયાદ કરતા ટીલા મોડ પોલીસ સ્ટેશન દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
હાલપૂરતું માટી નાખીને સુરંગ ભરી દેવામાં આવી છે અને પોલીસે વાયુસેનાના અધિકારીઓને સતર્ક રહેવાની તાકીદ કરી છે. ડીસીપી ટ્રાન્સ હિંડન શુભમ પટેલે જણાવ્યું હતું કે એરબેઝની બાઉન્ડ્રી વોલ સુરક્ષિત છે અને તેમાં ક્યાંય પણ તોડફોડ નથી થઇ રહી. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિકોએ ટીલા મોડ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતી ઇરશાદ કોલોની પાસે આ સુરંગ પ્રકારનો એક મોટો ખાડો જોયો હતો.
ટ્રાન્સ હિંડન ડીસીપીના જણાવ્યા મુજબ આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી તપાસની માગ કરવામાં આવી હતી. તે પછી પોલીસ હરકતમાં આવી અને એરબેઝના સુરક્ષા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. પોલીસ આ મામલે સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે.
હિંડન એરફોર્સ સ્ટેશન વેસ્ટર્ન એરકમાન્ડનુ અતિ મહત્વનું એરબેઝ છે. તે એશિયાનું સૌથી મોટું એરબેઝ ગણાય છે. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં લોની પાસે હિંડન નદી પાસે સ્થિત છે. હિંડન એરબેઝ C-17 ગ્લોબમાસ્ટર અને C-130J સુપર હરક્યુલસનું ઘર પણ છે. આ બંને વિમાનો ભારતીય વાયુસેનાના સ્ટ્રેટેજિક હેવી એર લિફ્ટ ડિવિઝનનો આધાર છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સરકારની રિજનલ કનેક્ટિવિટી સ્કીમ હેઠળ હિંડન એરબેઝ પરિસરમાં એક સિવિલ એરપોર્ટ પણ સંચાલિત કરે છે.