જમ્મુ કાશ્મીરમાં 24 કલાકમાં બીજો આતંકી હુમલો, મજૂરીકામ કરતા પરપ્રાંતિયની થઇ હત્યા
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ એક પરપ્રાંતિય મજૂર પર ફાયરિંગ કરતા તેનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ ઉત્તરપ્રદેશના રહેવાસી તરીકે થઇ છે. સ્થાનિક પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
કાશ્મીર ઝોન પોલીસનું કહેવું છે કે આતંકવાદીઓએ પુલવામાના તુમચી નૌપેરા વિસ્તારમાં મુકેશ નામના મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને અહીં મજૂરીકામ કરતા પરપ્રાંતિય પર ગોળીબાર કર્યો હતો જેમાં તેનું મૃત્યુ થયું. આ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા થયેલો આ બીજો હુમલો છે તેમ પોલીસે જણાવ્યું હતું.
આ પહેલા રવિવારે શ્રીનગરની એક ઇદગાહમાં આતંકવાદીઓએ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર પર ગોળીઓ વરસાવી હતી. ઇન્સ્પેક્ટર મસરૂર અહેમદ પર સતત ફાયરિંગ થતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તરત ઇલાજ માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં વિગતો સામે આવી હતી કે આ એટેકમાં પિસ્તોલનો ઉપયોગ થયો છે. હુમલા બાદ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવાઇ છે અને પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. આ હુમલાની જવાબદારી ટીઆરએફ-લશ્કર નામના આતંકી સંગઠને લીધી છે.
ગુરૂવારે કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા LOC પાસે ભારતીય સેનાના જવાનોએ આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયત્નોને રોકવામાં સફળતા મેળવી હતી. આ દરમિયાન સેનાના ઓપરેશનમાં 5 આતંકવાદીઓને ઠાર મરાયા હતા. પોલીસે જણાવ્યું હતું કે કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં હાથ ધરાયેલા ઓપરેશનમાં 5 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.