સવારે 9 વાગ્યા સુધીમાં 14.55% મતદાન, પોલિંગ બૂથ બહાર લોકોની લાંબી લાઈનો લાગી

બિહાર વિધાનસભા ચૂંટણીનો છેલ્લો અને નિર્ણાયક તબક્કો આજે સવારથી શરૂ થઈ ગયો છે. 3.70 કરોડથી વધુ મતદારો 122 બેઠકો પર 1302 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. આ તબક્કામાં મુખ્યમંત્રી નીતીશ કુમારની સરકારના અડધા ડઝનથી વધુ મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે, જ્યારે સીમાંચલ વિસ્તારની બહુમતી બેઠકો આ ચરણને વધુ મહત્વપૂર્ણ બનાવે છે.
45,399 મતદાન મથકો પર વોટિંગ ચાલી રહ્યું છે, જેમાંથી 40,073 ગ્રામીણ વિસ્તારમાં છે. કુલ મતદારોમાં 1.75 કરોડ મહિલાઓ છે. હિસુઆ (નવાદા)માં સૌથી વધુ 3.67 લાખ મતદારો છે, જ્યારે લૌરિયા, ચનપટિયા, રક્સૌલ, ત્રિવેણીગંજ, સુગૌલી અને બનમખીમાં 22-22 ઉમેદવારો છે. શાંતિપૂર્ણ મતદાન માટે 4 લાખથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે મતદાતાઓમાં મતદાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે 9 વાગ્યા સુધીમાં 14.55 ટકા મતદાન નોંધાયું, જે પહેલા તબક્કાના 13.13 ટકા કરતાં વધુ છે. કિશનગંજમાં મહિલાઓની લાંબી કતારો જોવા મળી. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના સાંસદ રાજેશ વર્મા પરિવાર સાથે વોટ આપવા પહોંચ્યા.
મુખ્યમંત્રી નીતીશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને ભારે મતદાનની અપીલ કરી. મોદીએ ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોને પ્રોત્સાહિત કર્યા. જન સુરાજના પ્રતિનિધી પ્રશાંત કિશોરે વ્યવસ્થા પરિવર્તન માટે વધુ મતદાનની વાત કરી અને દિલ્હી વિસ્ફોટ પર રાષ્ટ્રીય સુરક્ષાની કાર્યવાહીની માંગ કરી.
આપણ વાંચો: દિલ્હીમાં કાર બ્લાસ્ટ અંગે વડાપ્રધાન મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી અને અન્ય નેતાઓએ શું કહ્યું?



