મુંબઈ: સેબીએ અનિલ અંબાણીના(Anil Ambani)પુત્ર જય અનમોલ અંબાણીને રિલાયન્સ હોમ ફાઇનાન્સ કેસમાં 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેબીનું કહેવું છે કે અનમોલે રિલાયન્સ હોમ ફાઇનાન્સને લોન આપવાના મામલે નિયમોનું પાલન કર્યું નથી. આ મામલો કોર્પોરેટ લોન સાથે સંબંધિત છે. જેમાં યોગ્ય તપાસ કરવામાં આવી નથી. સેબીએ આ મામલામાં કંપનીના ચીફ રિસ્ક ઓફિસર કૃષ્ણન ગોપાલકૃષ્ણન પર 15 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. સેબીએ પોતાના આદેશમાં કહ્યું કે બંને લોકોએ 45 દિવસની અંદર દંડ જમા કરાવવો પડશે.
કૃષ્ણન ગોપાલક્રિષ્નન પર 15 લાખ રૂપિયાનો દંડ
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ સોમવારે આ કાર્યવાહી કરી હતી. અનમોલ અંબાણીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ કેસમાં સામાન્ય હેતુની કોર્પોરેટ લોન મંજૂર કરતી વખતે યોગ્ય વેરિફિકેશન પ્રક્રિયાનું પાલન ન કરવા બદલ રૂપિયા 1 કરોડનો દંડ ફટકાર્યો હતો. સેબીએ રિલાયન્સ હાઉસિંગ ફાઇનાન્સના ચીફ રિસ્ક ઓફિસર (સીઆરઓ) કૃષ્ણન ગોપાલક્રિષ્નન પર 15 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
અનિલ અંબાણી પર તાજેતરમાં જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો
રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડના ભંડોળના દુરુપયોગને લગતા કેસમાં સેબીએ ઓગસ્ટમાં અનિલ અંબાણી અને અન્ય 24 લોકોને સિક્યોરિટી માર્કેટમાંથી પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કર્યા પછી આ આદેશ આવ્યો હતો. આ ઉપરાંત તેમની પર 25 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
સેબીનો આદેશ શું કહે છે?
સોમવારે સેબીએ કહ્યું કે અનમોલ અંબાણીએ જે રિલાયન્સ હોમ ફાઇનાન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં છે. તેમણે સામાન્ય હેતુની કોર્પોરેટ લોન અથવા GPCL લોનને મંજૂરી આપી હતી. જયારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સ્પષ્ટ સૂચના આપી હતી કે આવી લોન મંજૂર કરવામાં આવશે નહીં.
અનમોલ અંબાણીએ 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ એક્યુરા પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડને રૂપિયા 20 કરોડની લોન મંજૂર કરી હતી. જ્યારે 11 ફેબ્રુઆરી, 2019 ના રોજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે મેનેજમેન્ટને વધુ GPCLલોન ન આપવાનો નિર્દેશ આપ્યો હતો.