લોકસભાની ચૂંટણી 2024: બિહારમાં બેઠકોની વહેંચણી: ભાજપ મોટો ભાઈ
બિહારમાં એનડીએના ઘટક પક્ષોમાં ભાજપ ઉપરાંત જેડીયુ, એલજેપી (આર), હમ અને રાષ્ટ્રીય લોક મોરચો સહભાગી
નવી દિલ્હી: બિહારમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ની બેઠકોની વહેંચણી પર સોમવારે અંતિમ મહોર લગાવવામાં આવી હતી. ભાજપ, જેડીયુ, એલજેપી (આર), હમ અને રાષ્ટ્રીય લોક મોર્ચાએ સત્તાવાર રીતે બેઠકોની વહેંચણીની જાહેરાત કરી હતી, જેમાં 40 બેઠકોમાંથી સૌથી વધુ 17 બેઠક પર ભાજપ લડશે. 16 બેઠકો પર નિતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (જેડીયુ) લડશે. ચિરાગ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી- રામવિલાસ (એલજેપી-આર) પાંચ, જિતેન રામ માંઝીની પાર્ટી હમ એક બેઠક પર અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોક મોર્ચા એક બેઠક પર લડશે.
ભાજપ કઈ બેઠક પર લડશે?
પશ્ચીમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ઔરંગાબાદ, મધુબની, અરરિયા, દરભંગા, મુઝફ્ફરપુર, મહારાજગંજ, સારણ, ઉજિયારપુર, બેગુસરાય, નવાદા, પટનાસાહિબ, પાટલીપુત્ર, આરા, બક્સર અને સાસારામ બેઠકો પરથી ભાજપના ઉમેદવારો ઊભા રહેશે.
જેડીયુ ક્યાંથી લડશે?
વાલ્મિકીનગર, સીતામઢી, ઝંઝારપુર, સુપૌલ, કિશનગંજ, કટિહાર, પુર્ણિયા, મધેપુરા, ગોપાલગંજ, સિવાન, ભાગલપુર, બાંકા, મુંગેર, નાલંદા, જહાનાબાદ અને શિવહર બેઠકો પરથી નિતીશ કુમારની પાર્ટી લડશે.
પાસવાનની પાર્ટી ક્યાંથી લડશે?
ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી-આર વૈશાલી, હાજીપુર, સમસ્તીપુર, ખગડિયા અને જમુઈ બેઠક પરથી લડશે. જ્યારે જિતેનરામ માંઝીની પાર્ટી ગયા બેઠક પર ચૂંટણી લડશે, જ્યારે કારાકાટની બેઠક ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીને આપવામાં આવી છે.
બદલાયેલું ગણિત
રસપ્રદ છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં નવાદા બેઠક એલજેપી પાસે હતી, આ વખતે ભાજપની પાસે ગઈ છે. શિવહર બેઠક પર ગયે વખતે ભાજપની રમા દેવીએ વિજય મેળવ્યો હોવા છતાં આ બેઠક જેડીયુને આપી દેવામાં આવી છે. કારાકાટમાં જેડીયુના મહાબલી સિંહ જિત્યા હતા, પરંતુ તે બેઠક હવે ઉપેન્દ્ર કુશવાહાને મળી ગઈ છે. ગયા બેઠક પરથી અત્યારે જેડીયુના વિજય કુમાર માંઝી સંસદસભ્ય છે, બેઠકોની વહેંચણી વખતે જેડીયુના સાંસદ સંજય ઝાએ કહ્યું હતું કે બિહારમાં એકતરફી લહેર છે. વિપક્ષની હજી સુધી કોઈ તૈયારી નથી. અમારી તૈયારી સારી છે અને બિહારમાં 40માંથી 40 બેઠક જીતશે.
પશુપતી પારસને ઝટકો
બેઠકોની આ વહેંચણીને ચિરાગ પાસવાનના કાકા અને કેન્દ્રીય પ્રધાન પશુપતી પારસ માટે ઝટકો માનવામાં આવી રહ્યો છે. તેમને એકપણ બેઠક મળી નથી. આ બધાને લઈને જ્યારે ભાજપના અધ્યક્ષ અને ડેપ્યુટી સી. એમ. સમ્રાટ ચૌધરીએ કહ્યું હતું કે બિહારમાં એનડીએ પૂરી મજબૂતીથી લડશે અને બધી 40 બેઠકો પર વિજય હાંસલ કરશે. પાંચ પાર્ટીના ગઠબંધન બિહારની ચૂંટણીમાં સાથે લડશે.