નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

જમ્મુ-કાશ્મીર, લદાખમાં કૉંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે બેઠકોની વહેંચણી ફાઈનલ: ત્રણ-ત્રણ બેઠકો પર લડશે

નવી દિલ્હી: કૉંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ (એનસી) વચ્ચે સોમવારે જમ્મુ અને કાશ્મીર તેમ જ લદાખમાં લોકસભાની ચૂંટણીઓ માટે બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા ફાઈનલ થઈ ગઈ હતી. બંને પાર્ટીએ ત્રણ ત્રણ બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખવા સહમતિ સાધી હતી.

દિલ્હીમાં સંયુક્ત પત્રકાર પરિષદમાં નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે કૉંગ્રેસ ઉધમપુર, જમ્મુ અને લદાખની બેઠકો પરથી લડશે, જ્યારે નેશનલ કોન્ફરન્સ કાશ્મીર ખીણમાં આવેલી અનંતનાગ, શ્રીનગર અને બારામુલ્લાની બેઠક પર ઉમેદવાર ઊભા રાખશે.

નેશનલ કોન્ફરન્સ ઉધમપુર, જમ્મુ અને લદાખની બેઠકો પર કૉંગ્રેસને ટેકો આપશે. ઈન્ડી ગઠબંધન જમ્મુ અને કાશ્મીરના લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે સાથે મળીને ચૂંટણીઓ લડશે અને સંસદમાં લોકોનું યોગ્ય પ્રતિનિધિત્વ કરશે, એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો : કોંગ્રેસના સિનિયર નેતાઓ ચૂંટણી પંચને મળ્યા, PM મોદી વિરુદ્ધ કરી ફરિયાદ

બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા બંને પાર્ટી વચ્ચે થયેલી ચર્ચા બાદ ફાઈનલ કરવામાં આવી હતી. ઓમર અબ્દુલ્લાની સાથે કૉંગ્રેસના નેતા સલમાન ખુર્શદ પણ હાજર હતા.

ખુર્શીદે કહ્યું હતું કે પીડીપી હજી પણ ઈન્ડી ગઠબંધનનો એક હિસ્સો છે. બેઠકોની વહેંચણી ગઠબંધનનો એક ભાગ છે અને આખું ગઠબંધન અલગ બાબત છે. જમ્મુ અને કાશ્મીર પ્રમાણમાં નાનો વિસ્તાર છે એટલે બેઠકોની વહેંચણી માટે અમારા બધા પ્રયાસો છતાં બહુ વિકલ્પ બચ્યા નહોતા.

અહીં ઉલ્લેખનીય છે કે પીડીપીએ કાશ્મીરમાં ત્રણ ઉમેદવારો જાહેર કર્યા છે. આ ઉપરાંત ગુલામ નબી આઝાદ અનંતનાગમાં ડીપીએપી પક્ષના નામ હેઠળ ચૂંટણી લડી રહ્યા છે.

ખુર્શીદે કહ્યું હતું કે નેશનલ કોન્ફરન્સના ત્રણ સાંસદ છે અને તેથી જ તેમને ઉમેદવારી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button