બિહાર NDAમાં સીટ વહેંચણીનો વિવાદ ઉકેલાયો? ચિરાગ પાસવાન મનાવી લેવાયાની ચર્ચા, સંયુક્ત યાદી આ તારીખે થશે જાહેર

પટના: બિહારમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ હવે રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. જેમાં બેઠકોની વહેંચણી મુખ્ય બાબત છે. NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)માં બેઠકોની વહેંચણીને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. પોતાની માંગને લઈને NDA ગઠબંધનની LJPના રિસાયેલા નેતા ચિરાગ પાસવાનને મનાવી લેવામાં આવ્યા છે. એનડીએ ગઠબંધનની પાર્ટીઓની બેઠકોની ફાળવણીની યાદીની જાહેરાત ક્યારે કરવામાં આવશે? આવો જાણીએ.
ભાજપએ કરી ગઠબંધનના નેતાઓ સાથે બેઠક
બિહારમાં હાલ NDA ગઠબંધનની સરકાર છે. જેમાં JDU મુખ્ય પાર્ટી છે. જોકે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધનની પાર્ટીઓને બેઠકોની વહેંચણીને લઈને વિવાદ સર્જાય તેવી સંભાવના જણાતા JDU દ્વારા BJPને બેઠકોની વહેંચણીની જવાબદારી સોંપી છે. જેથી BJP દ્વારા ચિરાગ પાસવાન, જીતનરામ માંજી અને ઉપેન્દ્ર કુશ્વાહ જેવા નેતાઓ સાથે વાટાઘાટો હાથ ધરવામાં આવી છે. આ એવા નેતાઓ છે, જેમણે વિધાનસભાની ચૂંટણીમાં નિશ્વિત બેઠકોની ખાસ માંગણી કરી છે.
ચિરાગ પાસવાનની પાર્ટી LJPએ 2024ની લોકસભાની ચૂંટણીમાં પાંચ બેઠકો પર જીત મેળવી છે. જેથી આ બેઠકોના તમામ વિસ્તારમાંથી ઓછામાં ઓછી બે વિધાનસભાની બેઠકો LJPને આપવામાં આવે તેવી ચિરાગ પાસવાને માંગ કરી છે. આ સિવાય પાર્ટીના મોટા નેતાઓ માટે પણ બેઠકોની માંગ કરવામાં આવી છે. જેને લઈને બિહારના ગૃહ રાજ્ય પ્રધાન અને BJPના નેતા નિત્યાનંદ રાયે ચિરાગ પાસવાન સાથે બેઠક કરી હતી, જે સકારાત્મક રહી હતી.
આ બેઠક બાદ નિત્યાનંદ રાયે BJPના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાનની મુલાકાત લીધી હતી. આમ, BJPએ ઉમેદવારોની પસંદગી સહિતની પોતાની તૈયારી પૂરી કરી દીધી હોય એવું લાગી રહ્યું છે. કોને કઈ બેઠક પરથી ઉતારવા એ અંગે હવે દિલ્હીમાં ચર્ચા થશે.
દિલ્હીમાં ભાજપની બેઠકમાં થશે નિર્ણય
11 ઓક્ટોબરના રોજ BJPના બિહાર કોર ગૃપની દિલ્હી ખાતે બેઠક થશે. જ્યારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 12 ઓક્ટોબરના રોજ થશે. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, BJP અધ્યક્ષ જે.પી. નડ્ડા અને અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે.
આ બેઠકમાં ઉમેદવારોની અંતિમ યાદી તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ 13 ઓક્ટોબરે NDA દ્વારા ઉમેદવારોની સંયુક્ત યાદી જાહેર થાય એવી સંભાવના છે. આ યાદીમાં NDA ગઠબંધનની એકતાના દર્શન થશે, એવું રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે.
આપણ વાંચો : બિહાર ચૂંટણીઃ દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનું તેજસ્વી યાદવનું વચન