ભારત-પાક સરહદે વધતા તણાવને પગલે પંજાબમાં તમામ શાળા-કોલેજ ત્રણ દિવસ માટે બંધ

ચંડીગઢ: ભારત અને પાકિસ્તાનની સરહદ પર વધી રહેલા તણાવની પરિસ્થિતિને ધ્યાને લઈને પંજાબ સરકારે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓને આગામી ત્રણ દિવસ માટે બંધ રાખવાનો આદેશ કર્યો છે. જેમાં રાજ્યની સરકારી, ખાનગી અને સહાયિત શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે.
પંજાબના શિક્ષણ પ્રધાને આપી માહિતી
પંજાબના શિક્ષણ પ્રધાન હરજોત સિંહ બૈંસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર પંજાબમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ આગામી ત્રણ દિવસ સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.
તે ઉપરાંત પંજાબ અને હરિયાણાની સંયુક્ત રાજધાની ચંદીગઢના વહીવટી તંત્રએ પણ શનિવાર સુધી તમામ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરહદી વિસ્તારોમાં તણાવ વધવાના કારણે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને પંજાબ સરકાર અને ચંદીગઢ વહીવટી તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ શૈક્ષણિક સંસ્થાઓ ફરી ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે.