
ઝાલાવાડ: રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં આજે એક ગોઝારી ઘટના બની હતી. પીપલોડી ગામની એક સરકારી શાળાની ઈમારતની છત ધરાશાયી થતાં 7 વિદ્યાર્થીના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટનાને લઈને હવે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં સંબંધિત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્કૂલની છત તૂટી રહી હતી ત્યારે એના અંગે બાળકો કહી રહ્યા હતા, પરંતુ તેમને ધમકાવીને બેસાડી રાખ્યા હોવાનું ખુલાસો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં બેદરકારી દાખવવા મુદ્દે પગલા ભર્યા હોવાનું શિક્ષણ વિભાગે જણાવ્યું હતું.
5 શિક્ષકને કરાયા સસ્પેન્ડ
શાળાની છત ધરાશાયી થયાની દુર્ઘટના બાદ ઝાલાવાડ જિલ્લાના વહીવટીતંત્રે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરી છે. શાળાના પાંચ શિક્ષક અને શિક્ષણ વિભાગના પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથોસાથ જિલ્લા કલેક્ટર અજય સિંહ રાઠોડે તપાસ સમિતિની રચના પણ કરી છે. આ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.
જર્જરિત અવસ્થામાં હતી 78 વર્ષ જૂની શાળા
સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ આ શાળાની ઈમારત 78 વર્ષ જૂની છે. આ જર્જરિત ઈમારતને લઈને અનેકવાર શાળા પ્રશાસન તથા શિક્ષણ વિભાગના અધિકારીઓને ચેતવણી આપવામાં આવી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
વિદ્યાર્થિનીને શિક્ષકે આપ્યો હતો ઠપકો
ઈમારત ધરાશાયી થઈ એના પહેલા છત પરથી કાંકરા નીચે પડવા લાગ્યા હતા. જેથી વર્ષા નામની એક વિદ્યાર્થિનીએ શિક્ષકને જાણ કરી હતી. ત્યારે શિક્ષકે તેને ઠપકો આપીને નીચે બેસવા કહ્યું હતું. ત્યાર બાદ છત ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટના સમયે શિક્ષક નાસ્તો કરી રહ્યા હતા.
21 વિદ્યાર્થીઓ થયા ઈજાગ્રસ્ત
ઉલ્લેખનીય છે કે, ધરાશાયી થયેલી શાળાની છત નીચે અનેક વિદ્યાર્થીઓ દબાયા હતા. તેઓને સ્થાનિકોની મદદથી બહાર કાઢીને નજીકના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં 10થી 11 વર્ષની ઉંમરના 21 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા.