મુસ્લિમ વસતી વધવાની સૌથી પહેલી અસર SC, ST અને OBC અનામત પર પડશેઃ સુધાંશુ ત્રિવેદી
નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ દેશમાં ઝડપથી વધી રહેલી મુસ્લિમ વસ્તી પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે કોંગ્રેસ અને I.N.D.I.A ગઠબંધન પાર્ટીઓએ જણાવવું જોઈએ કે જ્યારે તેઓ વસ્તીના આધારે અનામત આપવાની વાત કરે છે તો તેઓ કોના હિસ્સો ઓછો કરીને મુસ્લિમોને અનામત આપશે. તેમણે કહ્યું કે તે સ્પષ્ટ છે કે મુસ્લિમોની વધતી વસ્તીની પ્રથમ અસર એસસી, એસટી અને ઓબીસી અનામત પર થવાની છે અને આ બધા પક્ષો આ લોકો પાસેથી અનામત છીનવીને મુસ્લિમોને આપવા માંગે છે.
તેમણે જણાવ્યું હતું કે દેશમાં SC, ST અને OBCની આબાદી તો જન્મના આધારે વધી રહી છે, પણ મુસ્લિમ આબાદી ત્રણ રીતે વધી રહી છે -જન્મના આધારે, ધર્માંતરણના આધારે અને ઘુસણખોરીને આધારે. I.N.D.I.A ગઠબંધન પાર્ટીઓ તેમને બિનસાંપ્રદાયિક કવર અને સમર્થન આપે છે. મુસ્લિમોને આરક્ષણ આપવાનો મુદ્દો કૉંગ્રેસ, લાલુ પ્રસાદ યાદવ અને I.N.D.I.A ગઠબંધનના પક્ષોએ ઉઠાવ્યો હતો.
રિપોર્ટ અનુસાર, 1951માં કરવામાં આવેલી વસ્તી ગણતરી અનુસાર ભારતમાં હિંદુઓની વસ્તી 84.68 ટકા હતી, જે વર્ષ 2015માં ઘટીને 78.06 ટકા થઈ ગઈ છે. એટલે કે આ સમયગાળા દરમિયાન દેશમાં હિંદુઓની વસ્તીમાં 7.82 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે 1951ની વસ્તીગણતરી મુજબ દેશમાં મુસ્લિમ વસ્તી 9.84 ટકા હતી જે 2015માં વધીને 14.09 ટકા થઈ ગઈ હતી એટલે કે 1950થી 2015 વચ્ચે દેશમાં મુસ્લિમ વસ્તી 43.15 ટકાના દરે વધી છે.