Arvind Kejriwal ને સુપ્રીમ કોર્ટમાંથી જામીન ના મળ્યા , જેલમાં જ રહેશે

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને(Arvind Kejriwal) સોમવારે સુપ્રીમ કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે હાલમાં જામીન અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમની જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી થઈ હતી. તેમણે CBIની ધરપકડને પડકારી હતી જેના પર સુપ્રીમ કોર્ટે સીબીઆઈને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસની આગામી સુનાવણી 23 ઓગસ્ટના રોજ નિર્ધારિત કરી છે.
તાત્કાલિક વચગાળાના જામીનની માંગ કરી હતી
સીએમ કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં દલીલ રજૂ કરી હતી. સિંઘવીએ કહ્યું કે ઈડીના કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. તબિયતના કારણોને ટાંકીને તેણે તાત્કાલિક વચગાળાના જામીનની માંગ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી. જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે તેઓ આ સમયે વચગાળાના જામીન પર વિચાર નહીં કરે.
સીએમ કેજરીવાલની એક્સાઇઝ નીતિ કેસમાં સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં તેમની ધરપકડને પડકારી હતી. તેમણે કોર્ટમાં જામીન માટે પણ અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટ આ કેસમાં જામીનની વિનંતી કરતી કેજરીવાલની અરજી પર પણ અલગથી સુનાવણી કરી રહી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેંચે કેજરીવાલની બંને અરજીઓ પર સુનાવણી કરી હતી.
કેજરીવાલે પોતાની અરજીમાં શું દલીલ આપી?
હાલમાં જ સુપ્રીમ કોર્ટે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને જામીન આપ્યા હતા. ત્યારબાદ સિસોદિયા જેલમાંથી બહાર આવ્યા હતા. સિસોદિયાને જામીન મળ્યાના બે દિવસ બાદ જ સીએમ કેજરીવાલે તેમની જામીન અરજી દાખલ કરી હતી. આમ આદમી પાર્ટીના વડાએ દલીલ કરી છે કે જે આધારો પર કોર્ટે સિસોદિયાને જામીન પર મુક્ત કરવાનું યોગ્ય માન્યું તે આધાર તેમને સમાન રીતે લાગુ કરવા જોઈએ.
કેજરીવાલની સીબીઆઈ દ્વારા 26 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી
અરવિંદ કેજરીવાલની 26 જૂને સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તેઓ હજુ પણ જેલમાં છે. સુપ્રીમ કોર્ટ પૂર્વે અરવિંદ કેજરીવાલે જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ ત્યાં તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી અને અરવિંદ કેજરીવાલને ટ્રાયલ કોર્ટમાં જવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના વકીલે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.