ગુજરાત કેડરના પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને સુપ્રીમ કોર્ટે શું આપ્યો મોટો ઝટકો? જાણો વિગતવાર

નવી દિલ્હીઃ ગુજરાત કેડરના પૂર્વ IPS સંજીવ ભટ્ટને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમની 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન જેલની સજાને સસ્પેન્ડ કરવાની માંગ નકારી કાઢી હતી. ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની પીઠે કહ્યું કે, તેઓ સજાને રદ્દ કરવા અને સંજીવ ભટ્ટને જામીન પર મુક્ત કરવાના પક્ષમાં નથી. જોકે પીઠે સંજીવ ભટ્ટ દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અપીલ પર પ્રાથમિકતાના ધોરણે સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો.
શું છે મામલો?
આ મામલો 1990માં એક ઘટના સંબંધિત છે. તે સમયે સંજીવ ભટ્ટે જામનગર જિલ્લાના પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. તે સમયે સાંપ્રદાયિક હિંસા ભડકયાં બાદ ટાડા અંતર્ગત આશરે 133 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ હિંસા 30 ઓક્ટોબરે ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભારત બંધના એલાન બાદ થઈ હતી. તત્કાલીન ભાજપ પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીની ધરપકડના વિરોધમાં આ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. અડવાણીએ રામ મંદિર મુદ્દાને લઈ સોમનાથથી અયોધ્યા રથ યાત્રા કાઢી હતી ત્યારે બિહારમાં ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિમાંથી એકનું કસ્ટડીમાં મોત થયું હતું. મૃતકના પરિવારજનોએ સંજીવ ભટ્ટ અને તેમના સાથીઓ દ્વારા અસહનીય પીડા આપી હોવાથી મોત થયાનો આરોપ લગાવ્યો હતો. મૃતક 9 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહ્યા હતા, જે બાદ કિડની ફેલ થવાના કારણે મૃત્યુ થયું હતું. તેમના પરિવારજનોએ સંજીવ ભટ્ટ અને અન્ય અધિકારીઓ સામે કસ્ટડી દરમિયાન મૃત્યુ થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ કેસમાં બે સબ ઈન્સ્પેક્ટર, ત્રણ પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ સાત પોલીસ અધિકારીઓ આરોપી હતી. જામનગરની એક સેશન્સ કોર્ટે આ મામલે સંજીવ ભટ્ટ અને અન્ય એક પોલીસકર્મીને દોષી જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી હતી. પૂર્વ આઈપીએસે સેશન્સ કોર્ટના આ ચુકાદાને ગુજરાત હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. 2024માં ગુજરાત હાઈ કોર્ટે પણ તેમની અપીલ નકારી હતી. આ પછી કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.



