સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટેની ઉમેદવારી પ્રક્રિયા વિલંબિત કરવા વિચાર કરો: સુપ્રીમ કોર્ટ…

નવી દિલ્હી: જ્યાં સુધી 27 ટકા ઓબીસી અનામત અંગેનો ચુકાદો આપવામાં ન આવે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે આજે મહારાષ્ટ્ર સરકારને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા માટે ઉમેદવારીની પ્રક્રિયાને વિલંબિત કરવાનું વિચારવા જણાવ્યું હતું.
જસ્ટિસ સૂર્ય કાંત, ઉજ્જલ ભુયાણ અને એન. કોટિસ્વર સિંહની ખંડપીઠે આ કેસની આગામી સુનાવણી પચીસ નવેમ્બર પર મોકૂફ રાખી હતી. આ પહેલાં રાજ્યના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ઓબીસી માટેની અનામત સંબંધી કેટલાક વિવાદ માટે વધારાના દસ્તાવેજો રજૂ કરવા માટે સમય માગ્યો હતો.
જ્યાં સુધી અમે આ મુદ્દાનો અભ્યાસ કરીએ ત્યાં સુધી ઉમેદવારી પ્રક્રિયાને રોકી રાખવાનો વિચાર કેમ ન કરી શકો? એવો સવાલ ખંડપીઠે મહારાષ્ટ્ર સરકારને કર્યો હતો. આ પહેલાં તુષાર મહેતાએ એવી માહિતી આપી હતી કે રાજ્યમાં ફક્ત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓમાં ફક્ત ઉમેદવારી પ્રક્રિયા ચાલી રહી છે.
અનામતનો વિરોધ કરી રહેલા પક્ષકારો વતી હાજર રહેલા એડવોકેટ અમોલ કરાંડેએ કહ્યું હતું કે ઉમેદવારીને પરવાનગી આપવામાં આવશે તો ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ જશે અને તેને રિવર્સ કરી શકાશે નહીં.
જસ્ટિસ કાંતે નોંધ્યું હતું કે અદાલત આ બાબતે સભાન છે અને પિટિશનરોને 25 નવેમ્બરે આ બાબત રજૂ કરવા જણાવ્યું હતું, આ બાબતની સુનાવણી ત્યારે કરવામાં આવશે. આ પહેલાં 17 નવેમ્બરે રાજ્ય સરકારને તાકીદ કરી હતી કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં અનામત પચાસ ટકાથી વધે નહીં તેનું ધ્યાન રાખવું.
(પીટીઆઈ)
આ પણ વાંચો…અનામતની 50 ટકા મર્યાદા ઓળંગશો તો ચૂંટણી સ્થગિત: સુપ્રીમ કોર્ટની મહારાષ્ટ્ર સરકારને ચેતવણી…



