અનામતની 50 ટકા મર્યાદા ઓળંગશો તો ચૂંટણી સ્થગિત: સુપ્રીમ કોર્ટની મહારાષ્ટ્ર સરકારને ચેતવણી…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામત 50 ટકાથી વધ્યું તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી અટકાવશે
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે મહારાષ્ટ્ર સરકારને આગામી મહિને યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 50 ટકાથી વધુ અનામત ન આપવા જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી કે જો અનામતની મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ચૂંટણી પર રોક લગાવવામાં આવશે.
ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે જણાવ્યું હતું કે રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી 2022ના બાંઠિયા આયોગના અહેવાલ પહેલા પ્રવર્તમાન પરિસ્થિતિ અનુસાર જ યોજી શકાય છે.
એ અહેવાલમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) વિભાગમાં 27 ટકા અનામતની ભલામણ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાની વિનંતી પર ખંડપીઠે આ મામલાની સુનાવણી 19 નવેમ્બરે નક્કી કરી રાજ્ય સરકારને 50 ટકાની ટોચમર્યાદા નહીં ઓળંગવા જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે ‘જો અરજીમાં નામાંકન શરૂ થઈ ગયું છે અને કોર્ટે હસ્તક્ષેપ ન કરવો એમ જણાવ્યું હશે તો અમે ચૂંટણી પર રોક લગાવીશું. અદાલતની સત્તાની કસોટી ન કરો. બંધારણીય બેંચ દ્વારા નક્કી કરવામાં આવેલી 50 ટકા અનામતની મર્યાદા ઓળંગવાની અમે ક્યારેય વાત નથી કરી.
બે ન્યાયાધીશની ખંડપીઠ આવો નિર્ણય ન લઈ શકે. બાંઠિયા પંચનો રિપોર્ટ હજી પણ અદાલતમાં વિચારાધીન (સબ જ્યુડીસ) છે, અમે અગાઉની પરિસ્થિતિ મુજબ ચૂંટણી યોજવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે અરજીઓ પર નોટિસ પણ જારી કરી ટલાક કિસ્સાઓમાં રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામત 70 ટકા સુધી પહોંચી ગઈ હોવાનો આરોપ કર્યો છે.
ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ સોમવાર હોવાનો ઉલ્લેખ કરી તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટના 6 મેના આદેશનો ઉલ્લેખ કર્યો હતો, જેણે ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો કર્યો હતો. જસ્ટિસ બાગચીએ જણાવ્યું હતું કે ‘અમે પરિસ્થિતિથી સંપૂર્ણ વાકેફ હતા. બાંઠિયા પહેલાની પરિસ્થિતિનો સંકેત અમે આપ્યો હતો.’ (પીટીઆઈ)



