સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીના માનસિક સ્વાસ્થ્યની ચિંતા કરી; શૈક્ષણિક સંસ્થાઓ માટે કડક ગાઈડલાઈન્સ જાહેર...

સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીના માનસિક સ્વાસ્થ્યની ચિંતા કરી; શૈક્ષણિક સંસ્થાઓ માટે કડક ગાઈડલાઈન્સ જાહેર…

નવી દિલ્હી: દરેક સ્તરે સ્પર્ધાના જમાનામાં શાળા અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ સતત વધી રહ્યો છે, હતાશાને કારણે વિદ્યાર્થીઓની આત્મહત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી (Surge in student suicide in India) રહ્યા છે. શુક્રવારે આત્મહત્યાના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે મહત્વના નિર્દેશો (SC guidelines for education institution for metal health) આપ્યા હતાં. કોર્ટે નેશનલ ગાઈડલાઈન્સ જાહેર કરી છે, જેનું શૈક્ષણિક સંસ્થાઓએ ફરજીયાતપણે પાલન કરવાનું રહેશે. કોર્ટે વિદ્યાર્થીઓની આત્મહત્યાને અવગણી ના શકાય એવી તંત્રની નિષ્ફળતા ગણાવી હતી.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, પ્રાઈવેટ કોચિંગ સેન્ટરો, ટ્રેનીંગ એકેડમીઓ અને હોસ્ટેલ્સ પર લાગુ થશે. આ અંગે સત્તાવાર કાયદો ઘડવામાં ન આવે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે આપેલી ગાઈડલાઈન્સ દેશના કાયદા તરીકે લાગુ રહેશે.

વિદ્યાર્થીઓમાં વધી રહેલો માનસિક તણાવ અને હતાશા:
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા મુજબ, વર્ષ 2022 માં ભારતમાં કુલ 1,70,924 આત્મહત્યા નોંધાઈ હતી, જેમાં 13,044 એટલે કે 7.6% વિદ્યાર્થીઓ હતાં. જેમાંથી 2,200 થી વધુ વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે પરીક્ષામાં નિષ્ફળતાના કારણો જવાબદાર હતાં. આ આંકડાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટેની બેન્ચે કહ્યું કે ભારતના યુવાનોમાં વધી રહેલી હતાશા દેશના એજ્યુકેશનલ ઇકોસિસ્ટમમાં ગંભીર “માળખાકીય ખામી”ને ઉજાગર કરે છે.

સુપ્રીમ કોર્ટે જાહેર કરેલી ગાઈડલાઈન્સના મુખ્ય મુદ્દા:
સરકારની ઉમ્મીદ(UMMEED), મનોદર્પણ (MANODARPAN) અને નેશનલ સુસાઇડ પ્રિવેન્શન સ્ટ્રેટેજી (Nation suicide prevention strategy) ને આધારે સુપ્રીમ કોર્ટે તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે સમાન મેન્ટલ હેલ્થ પોલિસી નક્કી કરી છે.

  1. મેન્ટલ હેલ્થ પ્રોફેશનલની ફરજિયાત હાજરી: 100 થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી સંસ્થાઓમાં ઓછામાં ઓછા એક ક્વોલિફાઇડ મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ (સાઇકોલોજિસ્ટ, કાઉન્સિલર અથવા સોશિયલ વર્કર)ને ફરજ પર રાખવામાં આવે. નાની સંસ્થાઓમાં બહારના પ્રોફેશનલની રેફરલ સિસ્ટમ હોવી જોઈએ.
  2. સુસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન્સ: ટેલિ-માનસ(Tele-MANAS) સહિત માનસિક સ્વાસ્થ્ય માટેની હેલ્પલાઇનના નંબરો કેમ્પસ, હોસ્ટેલ, કોમન એરિયા અને વેબસાઇટ્સ પર સ્પષ્ટપણે દર્શાવવામાં આવે.
  3. પરફોર્મન્સ આધારિત ભેદભાવનો અંત: કોચિંગ સેન્ટર્સ અને શાળાઓમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રદર્શનને આધારે અલગ અલગ બેચમાં વહેંચવાની પ્રથા બંધ કરવામાં આવે, આ ઉપરાંત જાહેરમાં વિદ્યાર્થીને અપમાનિત કરવા અને પરિણામ માટે દબાણ કરવાની પ્રથા બંધ કરવામાં આવે.
  4. સ્ટાફ ટ્રેનીંગ: સંસ્થાના તમામ સ્ટાફ મેમ્બર્સને વર્ષમાં ઓછામાં ઓછા બે વાર પ્રાથમિક મનોવૈજ્ઞાનિક સારવાર, માનસિક તણાવના લક્ષણોની ઓળખ અને રેફરલ પદ્ધતિઓ અંગે તાલીમ આપવી જોઈએ. SC, ST, OBC, EWS, LGBTQ+, દિવ્યાંગ, અને ટ્રોમામાંથી પસારથી ચુકેલા વિદ્યાર્થીઓ સહિત હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથો માટે ખાસ સેન્સેટીવ ટ્રેનીંગ ફરજિયાત આપવી જોઈએ.
  5. સલામત માળખાગત સુવિધાઓ: રહેણાંક સંસ્થાઓએ ટેમ્પર-પ્રૂફ સીલિંગ ફેન લગાવવા જોઈએ અને સેલ્ફ હાર્મ અટકાવવા માટે છત અને બાલ્કનીમાં પ્રવેશ પ્રતિબંધિત કરવો જોઈએ.
  6. રિપોર્ટિંગ અને સપોર્ટ મિકેનિઝમ્સ: સંસ્થાઓએ જાતિ, લિંગ, ધર્મ અથવા અભિગમના આધારે જાતીય હુમલા, રેગિંગ અને ભેદભાવની ફરિયાદ કરવામાં માટે ગુપ્ત સિસ્ટમ હોવી જરૂરી છે, સાથે તાત્કાલિક મનોસામાજિક સહાય (Psychosocial support) ઉપલબ્ધ કરાવવામાં આવે.
  7. સર્વાંગી વિકાસ: કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓને સફળતાની વ્યાખ્યાઓ વિસ્તૃત કરવા અપીલ કરી. સંસ્થામાં અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે. વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે રસ-આધારિત કારકિર્દી માટે ચર્ચા કરાવવાનો પ્રયાસ કરાવવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ પર પરીક્ષા-સંબંધિત દબાણ ઘટાડી શકાય.

કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ:
સુપ્રીમકોર્ટે જણાવ્યું કે જ્યાં સુધી સંસદ અથવા રાજ્યની વિધાનસભાઓ કાયદો ના બનાવે ત્યાં સુધી આ ગાઈડલાઈન્સ ફરજીયાત લાગુ કરવાની રહેશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ખાનગી કોચિંગ સેન્ટરોના નિયમન માટે અને વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે બે મહિનાની અંદર નિયમો બનાવવા પડશે.

કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે 90 દિવસની અંદર એક કામપ્લાયન્સ એફિડેવિટ ફાઇલ કરવી પડશે, જેમાં સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં, રાજ્ય અધિકારીઓ સાથે કોર્ડીનેશન અને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર નેશનલ ટાસ્ક ફોર્સ દ્વારા કરવામાં આવેલા કર્યોની વિગતો આપવામાં આવશે.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button