નેશનલ

સાપ કરડવાની સમસ્યા દેશભરમાં છે, કંઇક કરોઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કરી ટકોર

નવી દિલ્હીઃ સાપ કરડવાની સમસ્યા દેશભરમાં છે અને કેન્દ્રને તબીબી સુવિધાઓમાં સર્પદંશની સારવાર ઉપલબ્ધ કરાવવા માટે બધા રાજ્યોને સાથે લઇને ‘કંઇક’ કરવાનું સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી. આર. ગવઇ અને એસ. વી. એન. ભટ્ટીની ખંડપીઠે એક અરજીની સુનાવણી કરતા જણાવ્યું કે સાપ કરડવાની સારવારમાં મહત્વપૂર્ણ એન્ટિ-વેનોમની અછતને કારણે દેશ એક મોટા જાહેર આરોગ્ય સંકટનો સામનો કરી રહ્યો છે.

ખંડપીઠે કેન્દ્રના વકીલને કહ્યું કે તમે રાજ્યોને સાથે લઇ શકો છો. સમસ્યા આખા દેશમાં છે. તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે તમે બધા રાજ્યોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી શકો છો અને કંઇક કરવાનો પ્રયાસ કરી શકો છો. આ કોઇ વિરોધી મુકદ્દમો નથી.

કેન્દ્રના વકીલે કહ્યું કે સરકાર આ મુદ્દે લીધેલા પગલાં રેકોર્ડ પર રાખશે. કેટલાક રાજ્યોના વકીલોએ કહ્યું કે તેઓ કેસમાં તેમના પ્રતિ-સોગંદનામા દાખલ કરશે, ત્યાર બાદ પીઠે તેમને છ અઠવાડિયાનો સમય આપ્યો અને પછી કેસની સુનાવણી સ્થગિત કરી હતી. ગયા વર્ષે ૧૩ ડિસેમ્બરે વડી અદાલતે વકીલ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્ર અને અન્યો પાસેથી જવાબ માંગ્યો હતો. આ અરજીમાં પીડિતોના જીવ બચાવવા માટે આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં એન્ટી-વેનોમ અને સર્પદંશની સારવાર ઉપલબ્ધ કરાવવાના નિર્દેશોની માંગ કરવામાં આવી હતી.

Also read: સુપ્રીમ કોર્ટે ગેમિંગ કંપનીઓની જીએસટી નોટિસ પર પ્રતિબંધ મૂક્યો

વકીલ ચાંદ કુરેશી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે ભારતમાં સર્પદંશથી થતા મૃત્યુનો દર વિશ્વમાં સૌથી વધુ છે, અહીં દર વર્ષે લગભગ ૫૮,૦૦૦ મૃત્યુ થાય છે. જેમાં દલીલ કરવામાં આવી હતી કે આટલો ઊંચો મૃત્યુદર હોવા છતાં એન્ટિ-વેનોમ(પોલિવેનોમ)ની અછત છે. આ અરજીમાં કહેવાયું હતું કે દેશના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં એન્ટિ-વેનોમનો પૂરતો સ્ટોક નથી, જેથી સર્પદંશ પીડિતોની સારવારમાં વિલંબ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button