34,615 કરોડની છેતરપિંડી: ઉદ્યોગપતિ નવંદરની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે CBI પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) સીબીઆઇને દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL) સાથે જોડાયેલા 34,615 કરોડના બેન્ક છેતરપિંડીના કેસમાં ઉદ્યોગપતિ અજય રમેશ નવંદરની જામીન અરજી પર જવાબ દાખલ કરવાના નિર્દેશ આપ્યા હતા.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે નવંદરને હોસ્પિટલમાં રહેવા માટે આપવામાં આવેલી વચગાળાની સુરક્ષા 14 ઓક્ટોબર સુધી લંબાવી છે. ખંડપીઠે કહ્યું હતું કે આ વચ્ચે પ્રતિવાદીને નિર્દેશ આપવામાં આવે છે કે તે અરજીકર્તાની આંખોની તપાસ નવી દિલ્હી સ્થિત એઇમ્સના ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઓપ્થેલ્મોલોજી સેન્ટરના એક સિનિયર કન્સલ્ટન્ટ પાસે કરાવે અને તે તારીખે કોર્ટ સમક્ષ રિપોર્ટ દાખલ કરે.
કોર્ટે કહ્યું હતું કે સીબીઆઇ જામીનની માંગણી કરતી મુખ્ય અરજી પર તેમને જે યોગ્ય લાગે તેમ પોતાનો જવાબ દાખલ કરશે અથવા નિર્દેશ હાંસલ કરશે. સુપ્રીમ કોર્ટ નવંદરની અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં તેણે દિલ્હી હાઈ કોર્ટના 31 મેના આદેશને પડકાર્યો હતો.
હાઈકોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે સીબીઆઈએ ગંભીર અને સાતત્યપૂર્ણ વલણ અપનાવ્યું છે કે અરજદાર એક પ્રભાવશાળી વ્યક્તિ છે જેનો મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં નોંધપાત્ર પ્રભાવ છે. જો તેને જામીન પર છોડવામાં આવે તો તે સાક્ષીઓને પ્રભાવિત કરે તેવી પૂરી શક્યતા છે.