એસબીઆઈએ ગ્રાહકોને આંચકો આપ્યો, આઈએમપીએસ માટે ચાર્જ ચૂકવવો પડશે…

નવી દિલ્હી : દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ ગ્રાહકોને મોટો આંચકો આપ્યો છે. જેમાં હવે ગ્રાહકોએ 15 ઓગસ્ટના રોજથી આઈએમપીએસ ટ્રાન્સફર માટે ચાર્જ ચૂકવવો પડશે. આઈએમપીએસ ઈન્સ્ટન્ટ મની પેમેન્ટ સર્વિસ એક રિયલ ટાઈમ ફંડ ટ્રાન્સફર સિસ્ટમ છે.
જેની મદદથી કોઈ વ્યકિત તરત નાણા ટ્રાન્સફર કરી શકે છે. આ સેવા 24 કલાક માટે અને 365 દિવસ ઉપલબ્ધ રહેશે. આ સેવા પહેલા બેંકના ગ્રાહકો માટે ફ્રી હતી.
સ્લેબ મુજબ ચાર્જ ચૂકવવો પડશે
એસબીઆઈએ જાહેર કરેલા નવા નિયમ મુજબ ઓનલાઈન આઈએમપીએસ માટે ચાર્જ કરવો પડશે. આ ચાર્જ મુજબ રૂપિયા 25,000 સુધી કોઈ ચાર્જ નહી ચુક્વવો પડે. જયારે 25,000 થી 1 લાખ પર બે રૂપિયા અને જીએસટી ચૂકવવો પડશે. જયારે 1 લાખ થી 2 લાખ રૂપિયા પર 6 અને જીએસટી ચાર્જ લાગશે.
જયારે 2 લાખ થી 5 લાખ રૂપિયા સુધી 10 રૂપિયા અને જીએસટી ચાર્જ લાગશે. આ પૂર્વે આ અંગે કોઈ ચાર્જ ન હતો. જ્યારે હવે સ્લેબ મુજબ ચાર્જ ચૂકવવો પડશે. જયારે સરકારી કે ખાનગી સંસ્થામાં પગારદાર અથવા સેલેરી એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને આ ચાર્જ નહી ચુક્વવો પડે.
આ ઉપરાંત જો ગ્રાહક ઓફલાઈન એટલે કે બેંકમાં જઈને આઈએમપીએસ કરાવશે તો તેના ચાર્જમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. જે રકમ પર આધારિત છે.
શું છે આઈએમપીએસ ?
આઈએમપીએસ એ એવી સિસ્ટમ છે જેમાં એક ગ્રાહક બેંક એકાઉન્ટમાંથી બીજા ગ્રાહકના ખાતામાં નાણા ટ્રાન્સફર કરે છે.જેની પર બેંક ટ્રાન્સફર કરવામાં આવેલી રકમ અનુસાર ચાર્જ વસુલે છે. સામાન્ય રીતે બેંક ડિજિટલ સેવા, નેટવર્ક ખર્ચ અને વ્યવહારની પ્રક્રિયા જાળવવા માટે આ ચાર્જ વસૂલ કરે છે.