SBI Electoral Bonds: ‘ભાજપ SBIનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે…’, SBIના આ પગલાને કોંગ્રેસે વખોડી કાઢ્યો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ કર્યા બાદ ભાજપ અને કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે. એવામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI) એ ચૂંટણી પંચ સાથે ઈલેક્ટોરલ બોન્ડની વિગતો શેર કરવા માટે 30 જૂન સુધીનો સમય માંગ્યો છે. આ માટે SBIએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેએ SBIના પગલાને ભાજપની ચાલ ગણાવી છે. તેમણે આજે મંગળવારે કેન્દ્ર સરકાર પર આરોપ લાગવ્યો હતો કે ભાજપ શંકાસ્પદ વ્યવહારો છુપાવવા માટે બેંકનો ઉપયોગ કરી રહી છે.
મલ્લિકાર્જુન ખડગેએ ઈલેક્ટોરલ બોન્ડ યોજનાને અપારદર્શક અને અલોકતાંત્રિક ગણાવી હતી. તેમણે કહ્યું કે ભાજપ સરકાર બેંકનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે. ખડગેએ કહ્યું કે ભાજપ ઈચ્છે છે લોકસભાની ચૂંટણીઓ પૂરી થયા બાદ SBI વિગતો શેર કરે. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે “પરંતુ ભાજપ ઇચ્છે છે કે આ બધું લોકસભાની ચૂંટણી પછી થાય. આ લોકસભાનો કાર્યકાળ 16મી જૂને સમાપ્ત થશે અને SBIએ 30મી જૂન સુધીમાં ડેટા શેર કરવા સમય માંગ્યો છે, મોદી સરકાર ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા તેના શંકાસ્પદ વ્યવહારને છુપાવવા માટે આપણા દેશની સૌથી મોટી બેંકનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે.” તેમણે કહ્યું કે, ‘શું સરકાર આ અપારદર્શક ઈલેક્ટોરલ બોન્ડના બદલામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સાથીઓને હાઇવે, બંદરો, એરપોર્ટ, પાવર પ્લાન્ટ વગેરેના કોન્ટ્રાક્ટ્સ સોંપવામાં આવતાં ભાજપના સંદિગ્ધ વ્યવહારને સરળતાથી છુપાવી તો નથી રહી ને?
નિષ્ણાતો મુજબ દાતાઓની 44,434 ઓટોમેટીક ડેટા એન્ટ્રીઓ માત્ર 24 કલાકમાં જાહેર કરી શકાય છે અને મેચ કરી શકાય છે. તો પછી SBIને આ માહિતી એકત્રિત કરવા માટે શા માટે વધુ 4 મહિનાની જરૂર છે? ખડગેએ આક્ષેપ કર્યો કે, “કોંગ્રેસ પાર્ટી સ્પષ્ટ હતી કે ચૂંટણી બોન્ડ યોજના અપારદર્શક, અલોકતાંત્રિક હતી. પરંતુ મોદી સરકાર, PMO અને નાણાં મંત્રાલયે ભાજપની તિજોરી ભરવા માટે દરેક સંસ્થા – RBI, ચૂંટણી પંચ, સંસદ અને વિપક્ષને ધ્વસ્ત કરી દીધી છે.” ખડગેએ કહ્યું કે મોદી સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્વસ્ત કરવા માટે SBIનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહી છે. સુપ્રીમ કોર્ટે 15 ફેબ્રુઆરીએ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ દીધી હતી અને ભારતની સૌથી મોટી બેંક SBIને 6 માર્ચ સુધીમાં ઈલેક્શન કમિશનને ઈલેક્ટોરલ બોન્ડ વિશેની માહિતી આપવાનો નિર્દેશ આપ્યો હતો. હવે SBIએ સુપ્રીમ કોર્ટમાં જઈને 30 જૂન સુધીનો સમય માંગ્યો છે.