બોલો, વંદે ભારત ટ્રેનનું નામ કોણે આપ્યું, આપ્યો રેલવે પ્રધાને જવાબ
નવી દિલ્હીઃ દેશમાં હાલમાં ઘણી વંદે ભારત ટ્રેનો દોડાવવામાં રહી છે. તેને ભારતની સૌથી આધુનિક અને અદ્યતન ટ્રેન માનવામાં આવે છે, જ્યારે તેની સ્પીડને લઈને પ્રવાસીઓમાં ધીમે ધીમે લોકપ્રિય બની રહી છે ત્યારે તાજેતરમાં આ ટ્રેનના નામકરણ અંગે રેલવે પ્રધાને જવાબ આપ્યો હતો. વંદે ભારત ટ્રેનમાં મુસાફરી વિમાનમાં મુસાફરી કરવા જેવું લાગે છે. કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ખુલાસો કર્યો હતો કે દેશની સૌથી આધુનિક અને અદ્યતન ટ્રેન કોણે વિચાર્યું અને તેનું નામ આપ્યું હતું.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વંદે ભારત ટ્રેનના આયોજન માટે એક બેઠક દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ ટ્રેનનું નામ એવું હોવું જોઈએ કે દરેક દેશવાસી ગૌરવ અનુભવે. આ સમય દરમિયાન સ્વયં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્રેનનું નામ વંદે ભારત રાખવાની વાત કરી હતી અને બધાને આ નામ પસંદ આવ્યું હતું અને આજે આખા દેશને વંદે ભારત ટ્રેન પર ગર્વ છે અને આપણે બધા તેમાં ખૂબ જ આરામથી મુસાફરી કરી રહ્યા છીએ.
રેલવે પ્રધાને એક કાર્યક્રમમાં કહ્યું હતું કે 2014માં જ્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર સત્તામાં આવી ત્યારે દેશમાં વર્લ્ડ ક્લાસ ટ્રેન લાવવાની યોજના શરૂ કરવામાં આવી હતી. તે સમયે ભારતમાં ભલે વર્લ્ડ ક્લાસ ટ્રેનોનો વિચાર આવ્યો હોય તો કહેવામાં આવતું હતું કે ટ્રેન બહારથી લાવવામાં આવશે, પરંતુ નરેન્દ્ર મોદીએ કંઈક અલગ કરવાનો નિર્ણય લીધો.
તેમણે કહ્યું હતું કે પીએમ મોદી પાસે આવા ઘણા પ્રસ્તાવ આવ્યા પરંતુ તેમણે તમામ પ્રસ્તાવોને ફગાવી દીધા. કેન્દ્ર સરકારે નક્કી કર્યું કે દેશના એન્જિનિયર ટ્રેનની ડિઝાઈન બનાવશે અને તેનું નિર્માણ પણ અહીં કરવામાં આવશે અને તેનું પરિણામ વંદે ભારતના રૂપમાં આવ્યું હતું. હવે અમે દર અઠવાડિયે એક નવી વંદે ભારત ટ્રેન બનાવી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમે વંદે ભારત ટ્રેનની બહાર પણ મોકલવામાં આવશે.