બોલો, રાજસ્થાનમાં ૧૦ વર્ષથી ફરાર આતંકવાદી પકડાયો

જયપુર: રાજસ્થાનની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની એક ટીમે શુક્રવારે ૧૦ વર્ષથી ફરાર એક આતંકવાદીની ધરપકડ કરી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. એડિશનલ ડાયરેક્ટર જનરલ (ક્રાઈમ) દિનેશે જણાવ્યું હતું કે ફોર્સની ટીમે એક મોટી કાર્યવાહી કરીને ગંગાપુર શહેરના રહેવાસી આતંકવાદી મોહમ્મદ મેરાજુદ્દીન (૩૧)ની ધરપકડ કરી હતી, જે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો અને તેના માથા પર ₹ ૨૫,૦૦૦નું ઈનામ હતું.
આતંકવાદ વિરોધી દળની ટીમ તેને ૧૦ વર્ષથી શોધી રહી હતી. ૨૦૧૪માં સ્લીપર સેલની ભારતમાં વિવિધ જગ્યાઓ પર આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાની યોજના હતી. આ કેસમાં રાજ્યના સીકર, જોધપુર અને જયપુર જિલ્લામાંથી કુલ ૧૩ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. એડીજીએ જણાવ્યું હતું કે કુલ ધરપકડ કરાયેલામાંથી ૧૨ને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
મેરાજુદ્દીનના માથા પર ૨૪ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ ૨૫૦૦૦ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. મેરાજુદ્દીન ગંગાપુર શહેરમાં આવ્યો હોવાની બાતમીના આધારે ટીમે આતંકવાદીના નિવાસસ્થાન અને આસપાસના વિસ્તારો પર નજર રાખીને તેને પકડી પાડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે તે અને તેના સહયોગીઓ ઈન્ડિયન મુજાહિદ્દીન અને અન્ય ઈસ્લામિક સંગઠનોના સંપર્કમાં હતા. ૨૦૧૪માં તેણે વિવિધ સ્થળોએ આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાની યોજના બનાવી હતી.