હૈદરાબાદમાં માતમ છવાયો! સાઉદી બસ અકસ્માતમાં એક જ પરિવારના 18 સભ્યોના મોત…

હૈદરાબાદ: સાઉદી અરેબિયાના મદીનામાં આજે સવાર એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો, મુસાફરોથી ભરેલી બસ એક ડિઝલ ટેન્કર સાથે અથડાતા 42 ભારતીય ઉમરાહ યાત્રાળુઓના મોત થયા હતા. તમામ મૃતકો તેલંગાણાનાં હૈદરાબાદના રહેવાસી હતાં, તેઓ ઉમરાહ કરવા ગયા હતાં. વડાપ્રધાન મોદીએ પણ આ ઘટના અંગે આઘાત વ્યક્ત કર્યો છે.
આ કમનસીબ ઘટનામાં એક પરિવાર બરબાદ થઇ ગયો છે, પરિવારમાં ત્રણ પેઢીના 18 સભ્યો મોતને ભેટ્યા.
અહેવાલ મુજબ મોહમ્મદ અસલના પરિવારના નવ બાળકોનો સહીત 18 લોકોના મોત થતા માતમ છવાઈ ગયો છે. મોહમ્મદ અસલના જણવ્યા મુજબ તેમના કાકા શેખ નસીરુદ્દીન (70), તેમની પત્ની અખ્તર બેગમ (62), પુત્ર સલાહુદ્દીન (42), પુત્રીઓ અમીના (44), રિઝવાના (38) અને શબાના (40) અને તેમના બાળકો આ ઘટનામાં મોતને ભેટ્યા. તેઓ જેદ્દાહથી પરત ફરી રહ્યા હતા ત્યારે સર્જાયેલા અકસ્માતમાં જીવતા ભૂંજાય ગયા.
અહેવાલ મુજબ હૈદરાબાદના 54 લોકો 9 નવેમ્બરના રોજ ઉમરાહ માટે સાઉદી અરેબિયા ગયા હતાં, તેઓ 23 નવેમ્બરના રોજ પાછા ફરવાના હતા. રવિવારે ચાર લોકો એક અલાગ ગાડીમાં મદીના માટે રવાના થયા હતાં, જ્યારે ચાર લોકો મક્કામાં જ રોકાયા હતા. બાકીના લોકો બસમાં સવાર થઇને મદીના જઈ રહ્યા હતાં, મદીનાથી લગભગ 25 કિલોમીટર દૂર બસ એક ડિઝલના ટેન્કર સાથે અથડાઈ, જેને કારણે ધડાકાભેર આગ ફાટી નીકળી.
ભારતના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેલંગાણા મુખ્યપ્રધાન રેવંત રેડ્ડી, આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુ, તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને કોંગ્રેસ પાર્ટીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.



