સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટનો આંચકો લાગ્યો…
નવી દિલ્હી: દિલ્હીના ભૂતપૂર્વ પ્રધાન સત્યેન્દ્ર જૈન છેલ્લા ઘણા સમયથી તબિયત ખરાબ હોવાના કારણે જમાનત પર છે. ત્યારે આજે ફરી સત્યેન્દ્ર જૈનના વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે જમાનતની સુનાવણી આજે સ્થગિત રાખવામાં આવે અને સત્યેન્દ્ર જૈનની જમાનત ચાલુ રાખવામાં આવે. જો કે આ અરજી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડની કોર્ટમાં કરવામાં આવી હતી. ત્યારે મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે જણાવ્યું હતું કે મની લોન્ડરિંગનો કેસ હાલમાં ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદીની આગેવાની હેઠળની બેંચ સમક્ષ ચાલી રહ્યો છે, ત્યારે આ કેસમાં અમે વચ્ચે કોઇ હસ્તક્ષેપ કરી શકીએ નહિ. આથી અમે આગળના જામીન માટે કોઇ આદેશ નહિ આપીએ. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે આ અંગે માત્ર સંબંધિત જજ જ નિર્ણય કરશે.
નોંધનીય છે કે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે, જેના માટે તે જેલ પણ ગયો હતો. જો કે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સત્યેન્દ્ર જૈન હાલમાં વચગાળાના જામીન પર જેલની બહાર છે. જેલમાં રહીને તેમની તબિયત ઘણી વખત બગડી હતી. જેના આધારે તેને જામીન આપવામાં આવ્યા હતા. સત્યેન્દ્ર જૈન વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા.
સિંઘવીએ જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચને જસ્ટિસ ત્રિવેદીની આગેવાની હેઠળની બેંચ દ્વારા તેમની અરજીની સુનાવણી દિવસ દરમિયાન મુલતવી રાખવા વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 26 મેના રોજ તબીબી આધાર પર દિલ્હીના પૂર્વ પ્રધાનને છ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા હતા અને સમયાંતરે તેને લંબાવવામાં પણ આવ્યા હતા.