સંસ્કૃત, હિન્દી, ડોગરી, ઓડિયા: નવા સભ્યોના શપથ ગ્રહણમાં લોકસભામાં ભાષાકીય વિવિધતા દેખાઈ

નવી દિલ્હી: લોકસભામાં સોમવારે ભાષાકીય વિવિધતાનું પ્રદર્શન જોવા મળ્યું, જેમાં નવા ચૂંટાયેલા સાંસદોએ સંસ્કૃત, હિન્દી, ડોગરી, બંગાળી, આસામી અને ઓડિયા સહિત અંગ્રેજી અને વિવિધ ભારતીય ભાષાઓમાં શપથ લીધા હતા.
સત્તાધારી બેન્ચમાંથી ‘જય શ્રી રામ’ના નારાઓ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દીમાં શપથ લીધા હતા.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી, મહિલા અને બાળ વિકાસ પ્રધાન અન્નપૂર્ણા દેવી, ટેલિકોમ પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને શહેરી વિકાસ પ્રધાન એમ. એલ. ખટ્ટરે હિન્દીમાં શપથ લીધા હતા. ઓડિશાના સંબલપુરના સાંસદ, શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ઓડિયામાં શપથ લીધા હતા.
જેમ જેમ પ્રધાનો તેમના શપથ લેવા આગળ વધ્યા તેમ તેમ વિપક્ષના સભ્યોએ ‘નીટ, નીટ’ના નારા લગાવ્યા હતા. અત્યારે તબીબી પ્રવેશ પરીક્ષા નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ (નીટ-યુજી) સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અંગેના વિવાદને ધ્યાન પર લાવવાનો વિપક્ષનો પ્રયાસ હતો.
કેરળમાંથી ચૂંટાયેલા પ્રથમ ભાજપ સાંસદ સુરેશ ગોપીએ પણ 18મી લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. મલયાલમમાં શપથ લેતા પહેલાં અભિનેતા-રાજકારણીએ ‘કૃષ્ણા, ગુરુવાયુરપ્પા’ કહીને દેવતાઓનું આહ્વાન કર્યું હતું. ગોપી પ્રવાસન અને પેટ્રોલિયમ રાજ્ય કક્ષાના પ્રધાન છે. તેઓ કેરળના થ્રિસુર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.
આ પણ વાંચો: શપથ ગ્રહણ સમારોહમાં આ ખૂંખાર મહેમાનની હતી હાજરી..!
પાવર અને રિન્યુએબલ એનર્જી માટેના રાજ્યમંત્રી શ્રીપાદ યેસો નાઈકે સંસ્કૃતમાં શપથ લીધા હતા. નાઈક ઉત્તર ગોવા મતવિસ્તારમાંથી છઠ્ઠી વખત જીત્યા હતા. ઉત્તર પૂર્વી ક્ષેત્રના શિક્ષણ અને વિકાસ માટેના રાજ્ય કક્ષાના પ્રધાન સુકાંત મજુમદારે બંગાળીમાં શપથ લીધા હતા.
પૂણેના સાંસદ મુરલીધર મોહોળે મરાઠીમાં શપથ લીધા હતા. જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના સાંસદ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ડોગરીમાં શપથ લીધા હતા.
કેન્દ્રીય પોર્ટ અને શિપિંગ પ્રધાન સર્બાનંદ સોનોવાલ અને ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ અનુક્રમે આસામી અને તેલુગુમાં શપથ લીધા હતા.
સોનોવાલ આસામના ડિબ્રુગઢથી સાંસદ છે જ્યારે નાયડુ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ મતવિસ્તારમાંથી ત્રીજી વખત સાંસદ બન્યા છે. તેઓ ત્રીજી મોદી સરકારમાં સૌથી યુવાન પ્રધાન પણ છે.
સ્ટીલ અને ભારે ઉદ્યોગ પ્રધાન એચડી કુમારસ્વામી અને ગ્રાહક બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કન્નડમાં શપથ લીધા હતા, જ્યારે કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ તેલુગુમાં શપથ લીધા હતા. ભર્તૃહરિ મહતાબે રાષ્ટ્રપતિ ભવનમાં નવા નીચલા ગૃહના સભ્ય તેમજ પ્રો-ટેમ સ્પીકર તરીકે શપથ લીધા હતા.
દિવસની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં નવા ગૃહની પ્રથમ બેઠકના ગૌરવપૂર્ણ પ્રસંગને યાદગાર બનાવવા માટે તમામ સભ્યો થોડી સેકંડ માટે મૌન ઊભા રહ્યા હતા. (પીટીઆઈ)