અજિત પવારના પ્લેન ક્રેશ પાછળ ષડયંત્ર? સંજય રાઉતે ભાજપ તરફ આંગળી ચીંધી

મુંબઈ: ગત બુધવારે બારામતી થયેલા પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા અજિત પવારનું અવસાન નીપજ્યું, જેને કારણે રાજ્ય ઉપરાંત રાષ્ટ્રીય રાજકારણમાં શોક વ્યાપી ગયો છે. અજિત પવારના સ્થાને તેમના પત્ની સુનેત્રા પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન પદના શપથ લીધા છે. હવે અજીત પવારના મૃત્યું અંગે રાજકારણ રમાવાનું પણ શરુ થઇ ગયું છે. વિપક્ષી નેતાઓ પ્લેન ક્રેશ થવા અંગે સવાલો ઉઠાવી રહ્યા છે અને કોઈ ષડ્યંત્રની આશંકા વ્યકત કરી રહ્યા છે.
બુધવારે અજીત પવારનું પ્લેન ક્રેશ થયું એ જ દિવસે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના વાડા મમતા બેનર્જીએ પ્લેન ક્રેશ પાછળ ષડ્યંત્રની આશંકા વ્યકત કરતા જાહેરમાં સવાલો ઉઠ્યાવ્યા હતાં. હવે શિવસેના (UBT) રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે અજીત પવારના મૃત્યુ પાછળના સંજોગો પર સવાલ ઉઠાવ્યા છે.
અજીત પવાર પાસે ભાજપ નેતાની ફાઈલો હતી:
સંજય રાઉતે એક નિવેદનમાં કહ્યું, “અજીત પવારની વિમાન દુર્ઘટના અંગે પ્રશ્નો ઉઠાવવા જોઈએ. તેમના પોતાના પક્ષના નેતા પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે, કંઇક તો ગડબડ છે. પડદા પાછળ કંઈક બન્યું હોવું જોઈએ.”
પ્લેન ક્રેશ પાછળ કોઈ રીતે ભાજપની ભૂમિકા હોવા અંગે ઈશારો કરતા સંજય રાઉતે કહ્યું.”અજિત પવાર તેમના વતન પરત ફરી રહ્યા હતાં. અજિત પવારે થોડા દિવસ પહેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેમની પાસે ભાજપના નેતાઓ અંગેની કેટલીક ફાઇલો છે, થોડા દિવસો બાદ આ દુર્ઘટના ઘટી. મને શંકા હતી, અજિત પવારે NDA છોડવાનો નિર્ણય લીધો. લોકોમાં શંકા છે. હું આ મુદ્દો સંસદમાં ઉઠાવીશ
કોંગ્રેસ નેતાએ પણ સવાલ ઉઠાવ્યા:
અજીત પવારના મૃત્યુના તુરંત બાદ તેમના ઉત્તરાધિકારી કોણ હશે એની ચર્ચાઓ શરુ થઇ ગઈ હતી, પ્લેન ક્રેશના ચોથા દિવસે જ અજિત પવારના સ્થાને તેમના પત્ની સુનેત્રા પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન પદના શપથ લીધા હતાં. કોંગ્રેસના નેતા વિજય વાડેટ્ટીવારે આ અંગે સવાલ ઉઠાવ્યા છે.
વિજય વાડેટ્ટીવારે કહ્યું કે, “અજિત દાદાના મોત પાછળ કાવતરું હોઈ શકે છે, તેની તપાસ થવી જોઈએ. NCPના બંને જૂથોને એક થવા અટકાવવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હોઈ શકે છે, અને તેથી જ નાયબ મુખ્યપ્રધાન પદ આટલી ઉતાવળમાં ભરવામાં આવ્યું. રાજકારણ ખૂબ જ ગંદુ થઈ ગયું છે.”
ભાજપે તમામ આરોપો નકાર્યા:
ભાજપના નેતા ઉજ્જવલ નિકમે બધા આરોપોને નકારી કાઢ્યા છે. સંજય રાઉતને જવાબ આપતા તેમણે કહ્યું, “આ બધા આરોપો પાયાવિહોણા છે અને શરમજનક છે. તેઓ દિવંગત આત્મા પર આટલું તુચ્છ રાજકારણ રમી રહ્યા છે. તમામ લોકો જાણે છે કે આ એક અકસ્માત હતો. તેમાં કોઈ ષડયંત્ર નથી.”
આ પણ વાંચો…અજિત પવારના મૃત્યુ પછી વિલયની અટકળો વચ્ચે, તટકરેએ કહ્યું કે એનસીપી તો એનડીએમાં જ રહેશે



