Sandeshkhali Protests: ‘અમને બળાત્કારની કોઈ ફરિયાદ નથી મળી’, સ્મૃતિ ઈરાનીના આક્ષેપો બાદ પશ્ચિમ બંગાળ પોલીસનો ખુલાસો
કોલકાતા: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પશ્ચિમ બંગાળ સરકાર પર આરોપ લગાવ્યા હતા કે સંદેશખાલીમાં હિન્દુ મહિલાઓ બળાત્કારનો ભોગ બની રહી છે, અને રાજ્ય સરકાર આરોપીઓને છાવરી રહી છે. આ અંગે પશ્ચિમ બંગાળ પોલીસે ખુલાસો કરતા જણાવ્યું હતું કે ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં હિંસા પાછળ કોઈ સાંપ્રદાયિક એંગલ ન હતો. આ વિસ્તારની કોઈ મહિલાએ બળાત્કારની ફરિયાદ પણ નોંધાવી નથી.
પત્રકારો સાથે વાત કરતા પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘સંદેશખાલીમાં મહિલાઓની ફરિયાદો પર ધ્યાન આપવા માટે DIG રેન્કની મહિલા અધિકારીની અધ્યક્ષતામાં 10 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ સંદેશખાલીની મુલાકાત લેશે અને સ્થાનિક ટીએમસી નેતાઓ દ્વારા કથિત રીતે અત્યાચારનો ભોગ બનેલી મહિલાઓ સાથે વાત કરશે.’
પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું કે કોઈને કોઈ ફરિયાદ હોય, તો તેણે આગળ આવીને સ્થાનિક પોલીસ અથવા પોલીસ અધિક્ષકની કચેરીમાં લેખિત ફરિયાદ નોંધાવવી જોઈએ. આવી ફરિયાદોના આધારે તપાસ હાથ ધરવામાં આવશે. તેમણે કહ્યું કે એસપી રેન્કના એક મહિલા અધિકારીએ વિસ્તારની મુલાકાત લીધી અને મહિલાઓને વિશ્વાસમાં લીધા બાદ તેમની સાથે વાત કરી. તે પછી અમને તે મહિલાઓ તરફથી ચાર લેખિત ફરિયાદ મળી હતી, પરંતુ તેમની પાસેથી બળાત્કારની કોઈ ફરિયાદ મળી નથી.
તેમણે કહ્યું કે, ‘અમને જે ફરિયાદો મળી છે તેમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. રાજ્ય સરકારે 10 સભ્યોની ટીમની રચના કરી છે, જે આવતીકાલથી કામ શરૂ કરશે. ટીમ વિસ્તારોની મુલાકાત લેશે, મહિલાઓ સાથે વાત કરશે અને ઉંડાણપૂર્વક પૂછપરછ કરશે. આવી ફરિયાદો અંગે સરકાર ગંભીર છે. અમે ગ્રામજનોને ટીમો સાથે વાત કરવા વિનંતી કરીશું. તેમણે કહ્યું કે જ્યારે પણ અમને તેમની પાસેથી લેખિત ફરિયાદ મળશે, અમે કડક કાયદાકીય પગલાં લઈશું.’
અત્રે ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમવારે કહ્યું હતું કે સંદેશખાલીમાં પછાત વર્ગ, માછીમારો અને ખેડુત સમુદાયની “હિંદુ” મહિલાઓએ જણાવ્યું હતું કે ટીએમસીના કાર્યકરો દ્વારા તેમના પર રોજ બળાત્કાર થાય છે.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, ‘સંદેશખાલીની મહિલાઓએ કહ્યું છે કે ટીએમસીના લોકો તેમના ઘરે એ જોવા આવે છે કે કઈ મહિલા સુંદર અને યુવાન છે. સ્થાનિક ટીએમસીના લોકો દાવો કરે છે કે હિન્દુ મહિલાઓના પતિ માત્ર નામના પતિ હશે, સંદેશખાલીની મહિલાઓએ મદદ માટે વિનંતી કરી રહી છે.’
દરમિયાન, પશ્ચિમ બંગાળ મહિલા આયોગની એક ટીમે સંદેશખાલીની મુલાકાત લીધી અને મહિલા રહેવાસીઓ સાથે વાતચીત કરી. કમિશનના ચેરપર્સને કહ્યું કે, ‘અમને મહિલાઓ તરફથી ફરિયાદો મળી છે… પરંતુ અત્યાર સુધી અમને જાતીય સતામણીની કોઈ ફરિયાદ મળી નથી. મહિલાઓએ એવી ફરિયાદ કરી હતી કે પોલીસ તેમની ફરિયાદો પર ધ્યાન આપતી નથી. અમે ચોક્કસપણે તેની તપાસ કરીશું.”