સંદેશખાલી બનાવ બંગાળને બદનામ કરવાનું ભાજપનું કાવતરું: ટીએમસી
કોલકાતા: ટીએમસી (તૃણમૂલ કૉંગ્રેસ)ના નેતાઓ દ્વારા મહિલાઓ પરના જાતીય અત્યાચારને કારણે પ્રસિદ્ધિમાં આવેલા સંદેશખાલી પ્રકરણે શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો પ્રસારિત કરીને એવો દાવો કર્યો છે કે આખું પ્રકરણ લોકસભાની ચૂંટણી પહેલાં પશ્ર્ચિમ બંગાળને બદનામ કરવાનું ભાજપનું કાવતરું હતું.
આ કથિત વીડિયોમાં એક વ્યક્તિ સંદેશખાલીમાં ભાજપનો મંડળ પ્રમુખ હોવાનો દાવો કરે છે. તે એવું કહી રહ્યો છે કે પશ્ર્ચિમ બંગાળ વિધાનસભાના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારી આ આખા કાવતરાની પાછળ છે.
આ વ્યક્તિ એવો આક્ષેપ કરી રહ્યો છે કે અધિકારીએ તેને અને ભાજપના અન્ય નેતાઓને એવું કહ્યું હતું કે શાહજહાન શેક સહિત ટીએમસીના ત્રણ નેતાઓ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવવા માટે ત્રણ-ચાર સ્થાનિક મહિલાઓને પ્રેરિત કરવી.
ટીએમસી દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોની સચ્ચાઈ સ્થાપિત થઈ નથી.
સ્થાનિક ભાજપનો નેતા પણ એમ કહેતો સાંભળવા મળ્યો હતો કે નંદીગ્રામના વિધાનસભ્ય અધિકારીએ ખુદ સંદેશખાલીના એક ઘરમાં બંદૂકો રાખી હતી અને જેને પછી કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જપ્ત કરવામાં આવેલા હથિયારો તરીકે દર્શાવવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સંદેશખાલીનો મોટો પર્દાફાશના મથાળા સાથે પ્રસારિત કરવામાં આવેલા વીડિયો સાથે પોસ્ટમાં સત્તાધારી પક્ષ દ્વારા લખવામાં આવ્યું હતું કે અધિકારીએ બંગાળ અને સંદેશખાલીને બદનામ કરવા માટે સ્થાનિક લોકોને પૈસા આપીને સામુહિક બળાત્કારનો ખોટો ભ્રમ ઊભો કર્યો.
પાર્ટીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે વાઈરલ વીડિયોમાં સ્પષ્ટ થાય છે કે કેવી રીતે ભાજપે બંગાળની પ્રતિભા ખરડાવવામાં કોઈ કસર બાકી રાખી નહોતી. સામુહિક બળાત્કારથી લઈને શસ્ત્રોની જપ્તી સુધીનો દરેક દાવો લગાવવામાં આવ્યો હતો અને આ બધું અન્ય કોઈ નહીં સુવેન્દુ અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું.
સુવેન્દુ અધિકારીની પ્રતિક્રિયા જાણી શકાઈ નહોતી.
બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે ભાજપમાં કેટલે હદે સડો પેસી ગયો છે તે સંદેશખાલીના પ્રકરણ પરથી દેખાઈ આવે છે. તેમનો બંગાળના પ્રગતિશીલ વિચારધારા અને સંસ્કૃતિ પ્રત્યેનો ધિક્કારને કારણે બાંગલા-વિરોધીઓએ રાજ્યને દરેક સ્તરે બદનામ કરવા માટે કાવતરું ઘડ્યું હતું. (પીટીઆઈ)