કોલકાતાઃ સંદેશખાલીની ઘટનાનો રાજકીય વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સંદેશખાલી વિવાદના મુખ્ય આરોપી શાહજહાં શેખ લગભગ દોઢ મહિનાથી પોલીસ અને અન્ય કાયદાકીય એજન્સીઓના હાથે પકડાયો નથી. આ મુદ્દે મમતા સરકાર પણ ઘેરાયેલી છે. હવે ભાજપે સંદેશખાલી વિવાદના મુખ્ય આરોપી શાહજહાં શેખની ધરપકડ ન કરવા બદલ મમતા સરકાર પર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી અને પશ્ચિમ બંગાળના સાંસદ નિશિથ પ્રામાણિકે કહ્યું છે કે ‘જો મમતા બેનરજી શાહજહાં શેખની ધરપકડ ન કરી શકે તો કેન્દ્રને કહે, અમે એક કલાકમાં શાહજહાં શેખની ધરપકડ કરીશું.’
નિશિથ પ્રામાણિકે કહ્યું હતું કે, મેં અગાઉ પણ આ વાત કરી હતી. મમતા સરકાર આરોપી શાહજહાં શેખની ધરપકડ ન કરી શકતી હોય તો તેમણે કેન્દ્ર સરકારની મદદ લેવી જોઇએ. કેન્દ્ર સરકાર આ મામલે મદદ કરવા તૈયાર છે. અમે એક કલાકમાં આરોપીને પકડી શકીએ છીએ. મમતા સરકારે કેન્દ્રની ફેક્ટ ફાઈન્ડિંગ ટીમને સંદેશખાલી જવા દીધી નહોતી. અને તેમની ધરપકડ કરી લીધી હતી, પણ ટીએમસીના નેતાઓને બેરોકટોક ત્યાં જવા દેવામાં આવે છે. મમતા સરકાર માટે કાયદો અને વ્યવસ્થાનું કોઇ મહત્વ જ નથી. તેઓ વિરોધની રાજનીતિ જ કરે છે.
નિશિથ પ્રામાણિકે એમ પણ જણાવ્યું હતું કે એક તરફ મોદીજી છે જે દેશને આગળ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે અને બીજી બાજુ કાકી અને ભત્રીજો છે, જે પ. બંગાળમાં રાજકારણ કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ પીએમ મોદી પ. બંગાળના પ્રવાસે આવવાના છે અને મને ખાતરી છે કે જ્યારે પીએમ મોદી અહીં આવશે ત્યારે સમગ્ર બંગાળ તેમનું સ્વાગત કરશે.
નોંધનીય છે કે સંદેશખાલીનો વિવાદ અટકવાનું નામ નથી લેતો. રવિવારે છ સભ્યોની ફેક્ટ ફાઈન્ડિંગ ટીમ સંદેશખાલી જવા માગતી હતી, પરંતુ પોલીસે તેમને રસ્તામાં જ અટકાવ્યા હતા અને તેમની ધરપકડ કરી હતી. જોકે, થોડા સમય બાદ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. ફેક્ટ ફાઈન્ડિંગ ટીમમાં પટના હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ નરસિમ્હા રેડ્ડી, ચારુ બલી ખન્ના, ભાવના બજાજ, ઓપી વ્યાસ, રાજપાલ સિંહ અને અપર્ણા બેનર્જી અને બંદના બિસ્વાસનો સમાવેશ થતો હતો. પ. બંગાળના રાજ્યપાલે આ મામલે DGP પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
Taboola Feed