નેશનલ

સરકારનો મોટો આદેશઃ સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ થશે સરકારી એપ્લિકેશન, ડિલીટ નહીં કરી શકો, શું છે ઉદ્દેશ જાણો?

નવી દિલ્હી: ભારત સરકારે દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડના જોખમો અને મોબાઇલ ચોરીને રોકવા માટે સૌથી મોટું પગલું ભર્યું છે. સરકારે તમામ મોબાઇલ કંપનીને આદેશ આપ્યો છે કે તેઓ ભારતમાં વેચતા પોતાના નવા ફોનમાં સરકારી સાયબર સુરક્ષા એપ ‘સંચાર સાથી’ને પ્રી-લોડ કરીને વેચે. આ એપ્લિકેશન ચોરાયેલા ફોન શોધવા, બનાવટી IMEI નંબર ઓળખવા અને છેતરપિંડીવાળા કોલ્સની માહિતી મેળવવામાં મદદરૂપ થાય છે. જોકે, આ આદેશથી એપલ જેવી કંપનીઓની ચિંતા વધી છે, જેઓ ફોનમાં પહેલાથી કોઈ એપ ઇન્સ્ટોલ કરીને વેચવાની પોલિસી ધરાવતી નથી.

સરકારે એક આદેશ જારી કર્યો છે કે ભારતમાં બનતા અને વેચાતા તમામ સ્માર્ટફોનમાં ‘સંચાર સાથી’ એપ પહેલેથી હાજર હોવી જોઈએ અને યુઝર તેને અનઇન્સ્ટોલ પણ નહીં કરી શકે. મીડિયાના અહેવાલ મુજબ આ ફેરફાર લાગુ કરવા માટે કંપનીને 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ આદેશથી સ્માર્ટફોન કંપનીઓની ચિંતા વધી ગઈ છે અને તેમણે દાવો કર્યો છે કે આ અંગે તેમની સાથે કોઈ સલાહ-મસલત કરવામાં આવી નથી. સરકારનો હેતુ સ્પષ્ટ છે કે મોબાઇલ ચોરી, નકલી IMEI નંબર, છેતરપિંડીવાળા કોલ અને સાયબર ફ્રોડ જેવી સમસ્યાઓ પર નિયંત્રણ મેળવે.

આ પણ વાંચો: સરકારી કચેરીમાં ફાઇલનું સ્ટેટસ એક ક્લિકમાં જાણી શકાશે, ગુજરાત સરકારનું આ પોર્ટલ છે ઉપયોગી

સરકારે દાવો કર્યો છે કે આ એપ રાષ્ટ્રીય સ્તરે મોબાઇલ સુરક્ષાને મજબૂત બનાવે છે અને ગુનેગારો માટે ચોરીના ફોન વેચવાનું મુશ્કેલ બનાવે છે. આ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ થયેલી ‘સંચાર સાથી’ એપ અત્યાર સુધીમાં 50 લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે.

સરકારી આંકડા દર્શાવે છે કે આ એપની મદદથી 3.7 મિલિયનથી વધુ ચોરાયેલા અથવા ખોવાયેલા ફોન બ્લોક કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, ગયા ઓક્ટોબરમાં આ એપ દ્વારા 50 હજાર સ્માર્ટફોન શોધી કાઢવામાં આવ્યા હતા અને 30 મિલિયનથી વધુ નકલી મોબાઇલ કનેક્શન પણ બંધ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: આ સરકારી સ્કીમમાં 115 મહિનામાં ડબલ જઈ જશે રૂપિયા, જાણો વિગત

ભલે આ આદેશથી સ્માર્ટફોન કંપનીઓની ચિંતા વધી હોય, પરંતુ યુઝરના દૃષ્ટિકોણથી આ નિર્ણય ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્માર્ટફોન કંપનીઓ પહેલેથી જ તેમના ફોનમાં અન્ય પ્રી-લોડેડ એપ્સ આપતી હોય છે, તેથી એક વધારાની સુરક્ષા એપ ઉમેરાવાથી યુઝરને ખાસ ફરક નહીં પડે.

ઉલટાનું, આ એપ દ્વારા યુઝર્સને સાયબર જોખમોથી સુરક્ષિત રહેવા, ચોરાયેલા ફોન પાછા મેળવવા અથવા બ્લોક કરાવવા, નકલી નંબર/IMEI નંબરની ફરિયાદ કરવા અને શંકાસ્પદ નંબરોને ચેક કરવા જેવી મહત્વની સુવિધાઓ સરળતાથી મળી રહેશે. તેથી, સરકારનો આ નિર્ણય યુઝર્સની સુરક્ષા માટે એક સકારાત્મક પગલું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button