સનાતન વિવાદ: ઉદયનિધિ સ્ટાલિન અને એ રાજા વિરુદ્ધ વધુ એક અરજી દાખલ થઇ

તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન અને ડીએમકેના સાંસદ એ રાજા વિરુદ્ધ દાખલ થયેલી અરજીને સુપ્રીમે અગાઉની અરજી સાથે જોડી કાર્યવાહી આગળ ધપાવી હતી. સુપ્રીમ કોર્ટ આ મામલે ગત અઠવાડિયે દાખલ થયેલી અરજી પર સુપ્રીમે સ્ટાલિન અને તમિલનાડુ સરકાર સહિત 14 નેતાઓને નોટિસ ફટકારી જવાબ માંગી ચુકી છે.
અરજીકર્તા વિનીત જીંદલે પોતાની અરજીમાં જણાવ્યું છે કે ઉદયનિધિ સ્ટાલિનના વિવાદાસ્પદ નિવેદન પર તમિલનાડુ પોલીસે કોઇ કામગીરી કરી નથી. અરજીકર્તાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે આ મામલે દિલ્લી પોલીસને પણ ફરિયાદ આપવામાં આવી હતી પરંતુ તેમણે પણ કોઇ પગલા લીધા નહિ. તમિલનાડુ સરકાર તરફથી અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે આ એક પબ્લિસીટી સ્ટંટ પિટીશન છે એક અરજી પર પહેલા જ નોટિસ જાહેર થઇ ચુકી છે અને આ રીતે અલગ અલગ કોર્ટમાં કુલ 40 અરજીઓ દાખલ થયેલી છે અને આ તમામ અરજીઓ પર જવાબ આપવો એ મુશ્કેલીભર્યું કામ છે.
તમિલનાડુમાં એક કાર્યક્રમમાં DMK નેતા ઉદયનિધિ સ્ટાલિને લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે, કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનો ફક્ત વિરોધ કરવો પૂરતો નથી હોતો, આવી વસ્તુઓને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવાની હોય છે. તેમણે આગળ કહ્યું હતું કે, મચ્છર, ડેન્ગ્યુ, મલેરિયા, કોરોના કેટલીક એવી વસ્તુઓ છે જેનો માત્ર વિરોધ ન કરી શકાય પરંતુ આપણે તેને હંમેશા માટે ખતમ કરી દેવા પડે છે. સનાતન ધર્મ પણ એવો જ છે. આમ ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ, મલેરિયા સાથે કરી હતી અને તેમના આ નિવેદનને પગલે દેશભરમાં વિવાદ સર્જાયો હતો. આ ઉપરાંત ડીએમકે નેતા એ રાજાએ પણ બળતામાં ઘી હોમતા હોય તેમ સ્ટાલિનની તરફેણ કરતા સનાતનની તુલના HIV અને રક્તપિત્તના રોગો જેવી કલંકિત કરનારી બીમારીઓ સાથે કરી નાખી હતી.