
મુંબઈઃ કોઈ પણ વ્યક્તિના જીવનમાં ખેલકૂદનું ઘણું મહત્ત્વ હોય છે. લગભગ દરેક વ્યક્તિ નાનપણમાં કોઈને કોઈ રમત રમી હોય છે અને કોઈ ચોક્કસ ખેલમાં તે નિપુણ હોય છે. અહીં આપણે ફક્ત સામાન્ય નાગરિકોની જ વાત નથી કરવી.
તાજેતરમાં પાકિસ્તાન સાથેનું ટૂંકુ યુદ્ધ પાકિસ્તાનની જોરદાર પછડાટને પગલે શમી ગયું, પરંતુ પાકિસ્તાન સાથેના જંગનો માહોલ હોય અને ફીલ્ડ માર્શલ સૅમ માણેકશા (Sam Manekshaw)ને યાદ ન કરીએ તો વાત અધૂરી કહેવાય.
1971નું પાકિસ્તાન સાથેનું ઘર્ષણ જેમાં ભારતે બાંગ્લાદેશને આઝાદી અપાવી હતી એ યુદ્ધમાં સરહદ પર ભારતના સશસ્ત્ર દળોનું નેતૃત્વ સંભાળનાર સૅમ માણેકશાને યુવાનીના દિવસોમાં ક્રિકેટ (cricket) અને હૉકી (hockey) રમવાનો ભારે શોખ હતો.
આપણ વાંચો: યુદ્ધ કે સાઈડ ઈફેક્ટઃ 1971ના યુદ્ધ વખતે શું હતી લોકોની સ્થિતિ?
સૅમ હોરમસજી ફરામજી જમશેદજી માણેકશા (સૅમ માણેકશા) પારસી સમુદાયના હતા અને સૅમ બહાદુર' તરીકે પણ ઓળખાતા હતા. તેઓ પ્રતિષ્ઠિત લશ્કરી અધિકારી હતા અને ફીલ્ડ માર્શલની રૅન્ક પર પ્રમોટ કરવામાં આવેલા ભારતીય લશ્કરના પ્રથમ અધિકારી હતા. તેઓ 1932માં બ્રિટિશ ભારતીય લશ્કરમાં જોડાયા હતા અને તેમણે બીજા વિશ્વયુદ્ધમાં અને પછી 1971માં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
જૂન 2008માં તામિલનાડુમાં 94 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. બહુ ઓછા લોકો જાણતા હશે કે ફીલ્ડ માર્શલ સૅમ માણેકશા નાનપણમાં ભણવામાં તો ખૂબ હોશિયાર હતા જ, તેઓ બહુ સારા હૉકી ખેલાડી અને કાબેલ ક્રિકેટર પણ હતા. તેઓ આ બે રમતને ખૂબ ફૉલો પણ કરતા હતા.
1960 અને 1970ના દાયકામાં ભારત માટે આ બન્ને રમતમાં સોનેરી દિવસો હતા એટલે સૅમ માણેકશા આ રમતો વિશેની રજેરજ જાણકારી મેળવતા હતા અને મિત્રોમાં શૅર કરતા હતા. અહીં સૅમ માણેકશા વિશે બીજી એક અજાણી વાત કરીએ તો એક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમને તેમનું નામ આપવામાં આવ્યું છે.
વાત એવી છે કે દર વર્ષે હોસ્ટેલ પ્રીમિયર લીગ (એચપીએલ) નામની ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાય છે જેમાં એક ટીમનું નામ સૅમ માણેકશા ઇલેવન છે અને બીજી ટીમનું નામ વિક્રમ બત્રા ઇલેવન છે. વિક્રમ બત્રાના નામથી પણ બધા ભારતીયો પરિચિત છે.
આપણ વાંચો: ભારત, ચીન અને પાકિસ્તાન: આખિર નામમેં ક્યા રખ્ખા હૈ?
તેઓ 1999ના પાકિસ્તાન સાથેના કારગિલ યુદ્ધમાં માત્ર 24 વર્ષની વયે શહીદ થયા હતા. કૅપ્ટન વિક્રમ બત્રા
ઑપરેશન વિજય’ના સૌથી મહત્ત્વના સૈનિક હતા અને અનેક પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઊતાર્યા બાદ તેઓ શહીદ થયા હતા. `યે દિલ માંગે મોર’ તેમનો સક્સેસ મંત્ર હતો. તેમને શહાદત બાદ (મરણોત્તર) પરમ વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તાજેતરમાં જ તામિલનાડુમાં હોસ્ટેલ પ્રીમિયર લીગની એક મૅચમાં વિક્રમ બત્રા ઇલેવનનો સૅમ માણેકશા ઇલેવન સામે 64 રનથી વિજય થયો હતો. વિક્રમ બત્રા ઇલેવને નિર્ધારિત 10 ઓવરમાં છ વિકેટે 115 રન કર્યા હતા જેમાં કૅપ્ટન સંજુના 38 રન હાઇએસ્ટ હતા. સૅમ માણેકશા ઇલેવન વતી આસિફ નામના બોલરે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
સૅમ માણેકશા ઇલેવનના 10 ઓવરમાં છ વિકેટે માત્ર 51 રન થયા હતા અને વિક્રમ બત્રા ઇલેવનની જીત થઈ હતી. વિજેતા ટીમના રાજુ અને રાહુલ નાઇક નામના બોલરે બે-બે વિકેટ લીધી હતી.