સલામ છે 41 જિંદગીઓને ઉગારી લેનારા રેટ માઈનર્સ મુન્ના કુરેશી અને તેમની ટીમને…
ઉત્તરાખંડઃ ઉત્તરકાશી ખાતેની સિલક્યારા ટનલમાં 17-17 દિવસથી ફસાયેલા મજૂરો આખરે ગઈકાલે સુખરૂપ બહાર આવ્યા હતા. 17-17 દિવસથી ચાલી રહેલાં આ રેસ્ક્યુ ઓપરેશન જિંદગીને સફળ બનાવનાર રેટ માઈનર્સ અને રેટ હોલ માઈનિંગ ટેક્નોલોજી વિશે વાત કરીએ તો આ આખું ઓપરેશન સફળ બનાવવાનો શ્રેય જાય છે મુન્ના કુરેશી. હવે તમને થશે કે આખરે આ મુન્ના કુરેશી કોણ છે તો અમે એમના વિશે જ તમને જણાવવા જઈ રહ્યા છીએ.
મુન્ના કુરેશી રેટ હોલ માઈનિંગનું કામ કરે છે અને તેઓ દિલ્હીની ટ્રેન્ચલેસ એન્જિનિયરિંગ સર્વિસ કંપનીમાં કામ કરે છે. આ કંપની ગટર અને પાણીની લાઈન સાફ કરવાનું કામ કરે છે. છેલ્લાં 12 મીટરનો કાટમાળ દૂરી કરવા માટે સોમવારે બારેક રેટ માઈનર્સને ઉત્તરાખંડ બોલાવવામાં આવ્યા હતા અને આ 12 માઈનર્સમાંથી એક હતા મુન્ના કુરેશી.
અમેરિકન ઓગર મશીન તૂટી ગયા બાદ હવે રેટ માઈનિંગ જ એક માત્ર વિકલ્પ હતો. રેટ માઈનિંગ એ નાના ખાડા ખોદીને કોલસો કાઢવાની પદ્ધતિ છે, પરંતુ તે અવૈજ્ઞાનિક હોવાને કારણે 2014માં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ વિશે વાત કરતાં મુન્નાએ જણાવ્યું હતું કે મંગળવારે સાંજે છેલ્લો પથ્થર હટાવ્યો અને એની સાથે 41 મજૂરોના બહાર આવવાનો માર્ગ મોકળો થયો. આ મજૂરોને મેં જોયા અને તેમણે મને જોયો અને ગળે લગાવી લીધો.
મને પ્રોત્સાહન આપ્યું અને મારો આભાર પણ માન્યો. અમારા માટે આ તો આ એક રૂટિન પ્રોસે હતું. અમે લોકો 600 મિમીના પાઈપમાં પણ સરળતાથી પ્રવેશી જતાં હોઈએ છીએ ત્યાં અહીં તો અમારી પાસે 800 મિમીનો પાઈપ હતો, પણ તેમ છતાં અમારી પાસે ઓપરેશન એટલું સહેલું નહોતું. અમે લોકોએ હિંમત હાર્યા વિના આગળ વધવાનું નક્કી કર્યું અને આખરે અમે અમારા પ્રયાસોમાં સફળ થયા.
બહાર આવીને મજૂરોએ રેસ્ક્યુ ઓપરેશન કરી રહેલાં વર્કર્સને ગળે લગાવ્યા હતા અને તેમનો આભાર માન્યો હતો. આ વર્કર્સમાં મોનુ કુમાર, વકીલ ખાન, ફિરોઝ, પરસાદી લોધી અને વિપિન રાજૌત સહિત અન્ય લોકોનો સમાવેશ થાય છે કે જેમણે આ અઘરું ઓપરેશન હેમખેમ પાર પાડ્યું હતું અને અંદર ફસાયેલા મજૂરો સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. અંદર ફસાયેલા મજૂરો આ લોકોને જોઈને ખૂબ જ આનંદિત થઈ ગયા હતા તેમણે બચાવકર્મીઓને તેડી લીધા હતા.