Salman Khan House Firing Case: વધુ એક શખ્સની અટકાયત, શૂટરોને 4 લાખ રૂપિયાની સોપારી મળી હતી
મુંબઈ: ગત રવિવારે બોલિવૂડ એક્ટર સલમાન ખાનના બંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટ(Galaxy Apartment)ની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગની ઘટના બાદ મુંબઈ પોલીસ અને શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉભા થયા છે. એવામાં મુંબઈ પોલીસ આ કેસમાં ઝડપીથી કાર્યવાહી કરી રહી છે. આ કેસમાં મુંબઈ પોલીસે હરિયાણાના એક વ્યક્તિની અટકાયત કરી છે, હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
મુંબઈ પોલીસે ગુજરાત પોલીસના સહયોગથી ફાયરીંગની ઘટનાને અંજામ આપનાર સાગર પાલ અને વિકી ગુપ્તા નામના શૂટર્સને કચ્છથી પકડી પડ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બંને શૂટર્સ ઘટના પહેલા અને પછી હરિયાણાથી પકડાયેલા શખ્સ સાથે સંપર્કમાં હતા. પોલીસને એવી પણ શંકા છે કે આ શખ્સ લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને શૂટર્સ વચ્ચે સંપર્ક સૂત્ર તરીકે કામ કરી રહ્યો હતો. પોલીસ હવે આ ઘટનામાં તેની ભૂમિકાની તપાસ કરી રહી છે.
અધિકારીએ કહ્યું કે એવી શંકા છે કે અટકાયત કરાયેલ શખ્સ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈના નિર્દેશ પર કામ કરી રહ્યો હતો. ફાયરીંગ ઘટના બાદ અનમોલ બિશ્નોઈએ ફેસબુક પર એક પોસ્ટ કરી હતી. બંને શૂટર્સ અટકાયત કરાયેલા શંકાસ્પદને તેમની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપતા હતા અને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કોલ કરવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના થોડા કલાકો પહેલા શૂટર સાગર પાલને બંદૂક આપવામાં આવી હતી. જો કે, ક્રાઈમ બ્રાન્ચ હજુ તપાસ કરી રહી છે કે બંદૂક સપ્લાય કરનાર શખ્સ કોણ હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બંને આરોપીઓને રૂ.4 લાખની સોપારી આપવામાં આવી હતી. શરૂઆતમાં 1 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા, બાકીના 3 લાખ રૂપિયા કામ પૂર્ણ થયા બાદ આપવાનું નક્કી કરાયું હતું. પોલીસ સાગર પાલ અને વિકી ગુપ્તા બંનેને પૈસા આપનાર શખ્સને શોધવાનો પ્રયાસ કરી રહી છે.