સજજુ કોઠારી ગેંગનાં સાગરીતની મુંબઇથી ધરપકડ; GUJCTОС કેસ બાદ હતો ફરાર

મુંબઈ: સજ્જુ કોઠારી ગેંગના સાગરીતને સુરત શહેર પોલીસની ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઝડપી પડ્યો હતો. સજ્જુ કોઠારી ગેંગના સાગરીત અને કુખ્યાત ગેંગસ્ટર ગુલામ હુસૈન ભોજાણીને ઝડપી લેવામાં આવ્યો હતો. ભોજાણી 2022 થી ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (GUJCTОС) હેઠળ ગુનો નોંધાયા બાદ ફરાર હતો. છેલ્લા બે વર્ષમાં, તે દુબઈ, સ્વિટ્ઝર્લૅન્ડ, મેડાગાસ્કર, ઈરાન અને અમેરિકા ગયો હતો. ભોજાણીના માથા પર 20,000 રૂપિયાનું ઈનામ હતું.
2022માં સુરતથી નાસી છૂટયો હતો
આ અંગે ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે, “ગુલામ હુસૈન ભોજાણી સજ્જુ કોઠારી ગેંગનો સભ્ય હતો. આ ગેંગ હત્યા, લૂંટ, ખંડણી, ચોરી, ત્રાસ, ગેરકાયદેસર હથિયાર રાખવા અને મની લોન્ડરિંગ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી હતી.તેમણે કહ્યું કે ગેંગના સભ્યો સજ્જુ કોઠારી, સમીર શેખ, અલ્લારખા શેખ અને ભોજાણી પર બે વખત ગુજકોટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે 2022 માં બીજી વખત કેસ દાખલ કરવામાં આવ્યો ત્યારે ભોજાણી સુરત છોડીને નાસી ગયો હતો.
વિઝિટર વિઝા પર ઈરાન, મડાગાસ્કર, દુબઈ અને USA
તેમણે જણાવ્યું હતું કે જ્યારે અમને બાતમી મળી હતી કે તે ગુરુવારે સવારે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરશે. અમારી ટીમે મુંબઈ એરપોર્ટ અધિકારીઓની મદદથી તેને ઝડપી લીધો હતો. ભોજાણીના અન્ય દેશોમાં સંપર્કો હતા અને તે વિઝિટર વિઝા પર ત્યાં ગયો હતો. તે સુરતથી, દિલ્હી અને ત્યાંથી ઈરાન ગયો હતો. ઈરાન પહોંચ્યા બાદ તે ચાર મહિના સુધી ધાર્મિક સ્થળમાં રહ્યો. ત્યારબાદ તે મડાગાસ્કર ગયો અને બાદમાં દુબઈ ગયો હતો. બે મહિના દુબઈમાં રહ્યા બાદ તે સ્વિટ્ઝર્લૅન્ડ અને ત્યાંથી યુએસએ ગયો હતો.
આ પણ વાંચો :ક્યા ઉદ્યોગપતિ અને અભિનેતાને બિશ્નોઈ ગેંગનો સાગરિત મારવા આવ્યો તો?
ભોજાણી પર અનેક ગંભીર ગુનાઓ
સુરત પોલીસે ભોજાણી પર સચિનમાં રહેણાંક યોજના પ્રોજેક્ટ સંબંધિત રૂ. 3.25 કરોડના છેતરપિંડીના કેસમાં કેસ દાખલ કર્યો હતો. તેણે છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને રિવોલ્વર બતાવી હોવાનો આરોપ છે. તે ગુજકોટ અને ખંડણીના બે કેસમાં ત્રણ વર્ષથી વોન્ટેડ હતો. તેની સામે અઠવાલાઇન્સ અને ઉમરા પોલીસ સ્ટેશનમાં ચાર ગંભીર ગુના નોંધાયેલા છે.