સૈરાટ ફીર સેઃ લગ્નના એક વર્ષ બાદ દીકરીને પિયરે બોલાવી ને…
પ્રેમલગ્નો શહેરી સમાજ માટે સાવ સામાન્ય થઈ ગયા છે. અલગ અલગ જાતિ કે ધર્મના યુવક-યુવતી એકબીજાને પસંદ કરે અને યોગ્ય હોય તો મા-બાપ તેમની પર મહોર લગાવે. આજકાલ શિક્ષિત માતા-પિતા જ તેમના સંતાનોને કહે છે કે તેઓ પોતાનું પાત્ર પોતાની મેળે શોધી લે કારણ કે જીવનભર તેમણે સાથે રહેવાનું છે, પણ આજે પણ બહુ મોટો વર્ગ આ સમજદારી બતાવી શકતો નથી અને પ્રેમલગ્નો પ્રત્યે એટલી નફરત ધરાવે છે કે પોતાના કે બીજાના સંતાનને રહેંસી નાખતા પણ ખચકાતો નથી.
ઓનરકિલિંગ માટે જાણીતા હિસ્સારની આ ઘટના છે. અહીં પ્રેમલગ્ન કરનાર યુગલ એક વર્ષથી સાથે રહેતું હતું અને પહેલા વિરોધ કર્યા બાદ માતા-પિતાએ પણ સ્વીકારી લીધાનું જણાવ્યું હતું, પરંતુ લગ્નની પહેલી એનિવર્સરીના દિવસે જ યુવતીના માતા-પિતાએ તેની હત્યા કરી નાખી હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે.
યુવકે પોલીસ સ્ટેશન પર નોંધાવેલી ફરિયાદ અનુસાર ખરકડા ગામમાં રહેતા મનદીપે એક વર્ષ પહેલા તેની પ્રેમિકા શીતલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમની વચ્ચે લગભગ 6 વર્ષથી પ્રેમસંબંધ ચાલતો હતો. 29 ઓક્ટોબર 2022ના રોજ, મનદીપ અને શીતલના લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા. ગર્લફ્રેન્ડ શીતલનો પરિવાર શરૂઆતથી જ આ લગ્નની વિરુદ્ધ હતો. પછીથી પરિવારે સંમતિ આપી હતી.
મનદીપે પોલીસને જણાવ્યું કે 28 ઓક્ટોબરે તેને તેની પત્નીના મામાનો ફોન આવ્યો હતો અને શીતલના ભાઈના લગ્ન હોવાથી શીતલને તેન પિયર મોકલવા કહ્યું હતું. આ સાથે બધાની સામે ફરી શીતલ અને મનદીપના લગ્ન કરાવવાની વાત પણ મામાએ કરી હતી. તેની વાત માની મનદીપ શીતલને તેનાં મામાના ઘરે મૂકી આવ્યો હતો જ્યાથી તે પોતાના ઘરે ગઈ હતી.
તેના માતા-પિતાના ઘરે ગયા બાદ તેની પત્ની શીતલે તેને રવિવારે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તેનાં પરિવારના સભ્યો તેના લગ્ન અન્ય છોકરા સાથે કરી દેવાની અને તને મારી નાખવાની વાત કરે છે. મનદીપને શીતલની આ વાત મજાક લાગી હતી અને તેણે ગંભીરતાથી લીધી નહીં અને સોમવારે તેને શીતલના મૃત્યુના સમાચાર મળ્યા.
સોમવારે તેને ખબર પડી કે શીતલનું મૃત્યુ થયું છે અને તેના મૃતદેહને ગંગવા નજીકના સ્મશાન ગૃહમાં લઈ જવામાં આવ્યો હતો અને ગુપ્ત રીતે તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા છે.
મનદીપે પોલીસ ફરિયાદ કર્યા બાદ પોલીસે જણાવ્યું હતું કે તેઓ પોતે ટીમ સાથે સ્મશાન ગયા હતા. ચિતામાંથી અવશેષો કબજે લેવામાં આવ્યા છે અને હવે રાખની તપાસ કરવામાં આવશે. આઝાદ નગર પોલીસ સ્ટેશનના પ્રભારી રમેશે જણાવ્યું કે હિસ્સારમાં એક યુવતીનું મોત થયું છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. સ્મશાન ભૂમિમાંથી હાડકાના નમૂના લેવામાં આવ્યા હતા અને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.
શીતલનો પરિવારના જણાવ્યા અનુસાર તેમની દીકરીને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, પરંતુ જો આમ હોય તો જમાઈને જણાવ્યા વિના તેના અંતિમ સંસ્કાર કરવાની, તેને કઈ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી તેવા ઘણા સવાલો થઈ રહ્યા છે, જેના જવાબો પોલીસ શોધી રહી છે.