નેશનલમહારાષ્ટ્ર

Sainik School: 62% ખાનગી સૈનિક શાળાઓ BJP-RSSના લોકોને ફાળવવામાં આવી? આક્ષેપો સામે સરકારે આ ખુલાસો કર્યો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે 100 નવી ખાનગી સૈનિક શાળાઓ(Private Sainik School) શરુ કરવાની યોજના બનાવી છે, એવામાં સરકારે અત્યાર સુધી મંજુર કરેલી સૈનિક શાળાઓ અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કૉંગ્રેસના નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર(Shashi Tharoor)એ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ(RSS) પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.
શશિ થરૂરના આરોપ:

શશિ થરૂરે કહ્યું કે નવી મંજુર થયેલી સૈનિક શાળાઓમાંથી 60 ટકા શાળાનું સંચાન હિન્દુત્વ વાદી સંગઠન RSS સાથે જોડાયેલા લોકોને આપવુંએ ચિંતાજનક છે. તેમણે કેન્દ્ર સરકારના આ પગલાને ‘આઘાતજનક’ ગણાવ્યું હતું.

શશી થરૂર એક ઓનલાઈન ન્યુઝ પોર્ટલના રિપોર્ટને ટાંકીને આ પ્રતિક્રિયા આપી હતી. રીપોર્ટ મુજબ સંરક્ષણ મંત્રાલયે ભારતીય સેનામાં ભરતી માટે બાળકોને શાળા કક્ષાએ તાલીમ આપી શકાય એટલા માટે ખાનગી સંસ્થાઓ સાથે ભાગીદારી કરી સૈનિક શાળાઓ શરુ કરવા યોજના બનાવી છે. આ માટે મંજુર કરેલી 60 ટકા નવી સૈનિક શાળાઓ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સહયોગી, ભાજપના નેતાઓ અને હિન્દુત્વવાદી નેતાઓ સાથે જોડાયેલી સંસ્થાની પસંદગી કરવામાં આવી છે.

શશી થરૂરે એક પોસ્ટમાં લખ્યું કે “આ નિર્લજ્જ સરકાર ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને તેની શિક્ષણ પ્રણાલી સાથે છેડછાડ કરી કેવી રીતે શકે છે? અગ્નવીર યોજના પહેલાથી જ આપણા સશસ્ત્ર દળોના ફેશનાલિઝમને અસર કરી રહી છે. આપણા સૈનિકો વિશ્વમાં સૌથી આદરણીય છે. રાજનાથસિંહજી કૃપા કરીને આ નિર્ણય પાછો ખેંચો!”

સંરક્ષણ મંત્રાલયની સ્પષ્ટતા:

આ આરોપો અંગે સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘સૈનિક શાળાઓ અંગે પ્રેસમાં કેટલાક લેખ પ્રકાશિત થયા છે. આ દાવાઓ પાયાવિહોણા છે. અમને 500 થી વધુ અરજીઓ મળી હતી, જેમાંથી અત્યાર સુધીમાં અમે 45 શાળાઓની અરજીઓ મંજૂર કરી છે.”

મંત્રાલયે કહ્યું કે, “નવી સૈનિક શાળાઓનું આયોજન ખૂબ જ વિચારપૂર્વક કરવામાં આવ્યું છે. તેની પસંદગી પ્રક્રિયા ખૂબ જ કડક છે. તેને સંતુલિત રાખવામાં આવી છે, જેથી તેનો ઉદ્દેશ પૂરો થાય અને લાયક વિદ્યાર્થીઓને જરૂરી આર્થિક મદદ મળે. તેની સતત ચકાસણી કરવામાં આવે છે. અરજદારના રાજકીય ઝુકાવ કે વિચારધારા કે અન્ય કોઈ બાબતથી પસંદગી પ્રક્રિયામાં કોઈ ફરક પડતો નથી. આ પ્રક્રિયાનું રાજનીતિકરણ કરવું અથવા આ યોજનાના હેતુ વિશે ખોટી માન્યતાઓ ફેલાવવી એ અયોગ્ય છે.”

ન્યુઝ રીપોર્ટમાં શું દાવા કરવામાં આવ્યા:

ન્યુઝ રીપોર્ટ અનુસાર વર્ષ 2022 અને 2023 ની વચ્ચે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, અન્ય હિંદુત્વવાદી સંગઠનો અને ભારતીય જનતા પાર્ટી અથવા તેના સહયોગી નેતાઓ સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓને 40 સૈનિક શાળા ચલાવવા માટે મંજુરી આપી છે.

સૈનિક શાળાઓનું સંચાલન સંરક્ષણ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા કરવામાં આવે છે. સંસદની સ્થાયી સમિતિ દ્વારા 2013-’14માં પ્રકાશિત કરાયેલા અહેવાલ મુજબ, નેશનલ ડિફેન્સ એકેડમી અને ઈન્ડિયન નેવલ એકેડમીમાં પ્રવેશ મેળવનારા લગભગ 20% કેડેટ્સ સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ હતા.

વર્ષ 2022 પહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારો સંયુક્ત રીતે 33 સૈનિક શાળાઓ ચલાવતા હતા. જો કે, ઓક્ટોબર 2021 માં, કેન્દ્રમાં ભાજપની આગેવાની વાળી NDA સરકારે ખાનગી ધોરણે સૈનિક સ્કૂલ સોસાયટી સાથે ભાગીદારી હેઠળ, આંશિક નાણાકીય સહાય સાથે સૈનિક શાળાઓની શાખાઓ ચલાવવાની મંજૂરી આપી હતી. એ વખતે કહેવામાં આવ્યું છે કે 100 નવી સૈનિક શાળાઓની સ્થાપના પાછળનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનો છે.

ALSO READ : ‘PM મોદીનો વિકલ્પ છે……’ લોકસભા ચૂંટણી પહેલા શશિ થરૂરે આપ્યો જવાબ

મીડિયા રિપોર્ટર્સ અનુસાર, 05 મે, 2022 અને ડિસેમ્બર 27, 2023 વચ્ચે 40 ખાનગી શાળાઓએ સૈનિક સ્કૂલ સોસાયટી સાથે કરારના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાંથી 11 ભાજપના નેતાઓની માલિકીની છે અથવા એવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે જેના અધ્યક્ષ ભાજપના રાજકીય સાથીઓ અને હિંદુત્વ સંગઠન સાથે જોડાયેલા હોય.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપ સરકારે સૈનિક સ્કૂલને હિંદુ રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા સાધ્વી ઋતંભરાની વૃંદાવનમાં સંવિદ ગુરુકુલમ ગર્લ્સ સૈનિક સ્કૂલ અને સોલનમાં રાજ લક્ષ્મી સંવિદ ગુરુકુલમને મંજુરી આપી છે. જે છોકરીઓ માટેની ભારતની પ્રથમ સૈનિક શાળા છે.

ઋતંભરા હિંદુત્વવાદી જૂથ વિશ્વ હિંદુ પરિષદની મહિલા પાંખ ‘દુર્ગા વાહિની’ના સ્થાપક છે અને રામ જન્મભૂમિ ચળવળમાં મુખ્ય ચહેરામાંના એક હતા. ગત 2જી જાન્યુઆરીના રોજ શાળાના ઉદ્ઘાટન સમયે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રામજન્મભૂમિ ચળવળમાં ઋતંભરાના “નોંધપાત્ર યોગદાન”ની પ્રશંશા કરી હતી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શૈક્ષણિક પાંખ, વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાનને 7 સૈનિક શાળા કરારો એનાયત કરવામાં આવ્યા છે. વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાનની વેબસાઈટ મુજબ “અમે હિંદુત્વ પ્રત્યે પ્રતિબદ્ધ અને દેશભક્તિની ભાવનાથી ભરેલી યુવા પેઢીનું નિર્માણ કરવા માંગીએ છે.”

નાસિકની ભોંસલા મિલિટરી સ્કૂલ, જેની સ્થાપના 1937માં હિંદુત્વ વિચારધારા ધરવતા બીએસ મૂંજે દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થા જે હવે સેન્ટ્રલ હિંદુ મિલિટરી એજ્યુકેશન સોસાયટી દ્વારા ચલાવવામાં આવે છે. આ સંસ્થાને પણ સૈનિક સ્કૂલ તરીકે ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.

મહારાષ્ટ્ર એન્ટી-ટેરર સ્ક્વોડ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે 2006 નાંદેડ બોમ્બ બ્લાસ્ટ અને 2008ના માલેગાંવ વિસ્ફોટના આરોપીઓએ ભોંસલે મિલિટરી સ્કૂલમાં તાલીમ લીધી હતી.

મહારાષ્ટ્રમાં નવી મંજૂર કરાયેલી સૈનિક શાળાઓમાં અહમદનગરની પદ્મશ્રી ડૉ. વિઠ્ઠલરાવ વિખે પાટીલ સ્કૂલનો સમાવેશ થાય છે, આ સંસ્થા જેની અધ્યક્ષતા કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાન સભ્ય રાધાકૃષ્ણ વિખે પાટીલ દ્વારા કરવામાં આવી હતી જેઓ 2019માં ભાજપમાં જોડાયા હતા.

સાંગલીમાં એસકે ઇન્ટરનેશનલ સ્કૂલ, જેને સૈનિક શાળા ચલવવાની મંજુરી મળી છે, તેની સ્થાપના ભાજપના સાથી સદાભાઉ ખોટ દ્વારા કરવામાં આવી હતી, જેઓ 2014ની દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન હતા.

મધ્યપ્રદેશના કટનીની સાયના ઈન્ટરનેશનલ સ્કૂલ કે જેને સૈનિક શાળા ચલાવવાની મંજૂરી મળી છે, તે મધ્યપ્રદેશમાં ભાજપના વિધાન સભ્ય સંજય પાઠકની પત્ની નિધિ પાઠકના સંચાલન હેઠળ છે.

આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં આવેલી અદાણી વર્લ્ડ સ્કૂલને પણ સૈનિક શાળા ચલવવા મંજુરી મળી છે. શાળા અદાણી કોમ્યુનિટી એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશનની માલિકીની છે.

અહેવાલ મુજબ ભૂતપૂર્વ લેફ્ટનન્ટ જનરલ પ્રકાશ મેનને જણાવ્યું હતું કે, “તે સ્પષ્ટ છે કે, ‘કેચ ધેમ યંગ’ એ તેમનો કન્સેપ્ટ છે. આ સશસ્ત્ર દળો માટે યોગ્ય નથી. આવા સંગઠનોને કોન્ટ્રાક્ટ આપવાથી સશસ્ત્ર દળોના ચરિત્ર અને નૈતિકતાને અસર થશે.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button