
મુંબઈ: મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ(Mahadev betting app) સાથે જોડાયેલા હાઈપ્રોફાઈલ કેસમાં મુંબઈ પોલીસ(Mumbai Police)ની ક્રાઈમ બ્રાંચની એક સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ(SIT)એ એક્ટર અને ફિટનેસ ઇન્ફ્લુએન્સર સાહિલ ખાન(Sahil Khan)ની અટકાયત કરી છે. આ કેસ સંબંધમાં અગાઉ મુંબઈ પોલીસેની SITએ તેની પૂછપરછ કરી હતી. સાહિલ ખાને આગોતરા જામીન માટે કોર્ટનો સંપર્ક પણ કર્યો હતો, પરંતુ ગઈ કાલે કોર્ટે તેને રાહત આપી ન હતી. ત્યાર બાદ આજે તેને અટકાયતમાં લેવામાં આવ્યો છે, તેને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે.
અહેવાલો અનુસાર ગઈ કાલે સાહિલ ખાનને બોમ્બે હાઈકોર્ટ તફથી આગોતરા જામીન અને ધરપકડમાંથી રાહત ન મળતા તે મુંબઈથી ભાગી ગયો હતો. સાહિલ ખાન વારંવાર પોતાનું લોકેશન બદલતો રહ્યો હતો. લગભગ 40 કલાક સુધી તેનો પીછો કર્યા બાદ પોલીસે સાહિલને પકડી પાડ્યો હતો.
આ પહેલા ગુરુવારે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની SITએ અભિનેતા સાહિલ ખાનની ચાર કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કોર્ટના આદેશ મુજબ સાહિલ ખાન બપોરે 1 વાગ્યે SIT સમક્ષ પહોંચ્યો અને તેમનું નિવેદન નોંધ્યા બાદ સાંજે 5.30 વાગ્યે પરત ફર્યો. અધિકારીના જણાવ્યા અનુસાર, સાહિલ ખાને દાવો કર્યો હતો કે આ મામલામાં તેમની કોઈ ભૂમિકા નથી.
મહાદેવ બેટિંગ એપ કેસમાં અગાઉ બોલિવૂડના ઘણા કલાકારની પુછપરછ થઇ ચુકી છે. એક તરફ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મહાદેવ સટ્ટાબાજીની એપ કેસની તપાસ કરી રહી છે, ત્યારે મુંબઈ પોલીસે 32 લોકો સામે અલગથી કેસ નોંધ્યો છે.