સાધ્વી પ્રજ્ઞાસિંહની તસવીર જોઈ ચોંકી ગયા લોકો, કૉંગ્રેસ પર કર્યા આવા આક્ષેપો
ભોપાલઃ માલેગાંવ બૉમ્બ બ્લાસ્ટમાં આરોપી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર મૂકી છે, જેને જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે. પ્રજ્ઞાસિંહ ઓળખાતી નથી તે હદે બદલાઈ ગઈ છે. ફૂલેલો ચહેરો, ચહેરા અને આંખો પર સોજા વગેરે સાથે તેણે એક ફોટો શેર કર્યો છે અને કૉંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા છે.
સાધ્વી પ્રજ્ઞાએ એક્સ પર લખ્યું છે કે કોંગ્રેસનો ત્રાસ માત્ર એટીએસ કસ્ટડી સુધી જ નહીં, પણ મારા જીવનભરના કષ્ટનું કારણ બની ગયો છે. આંખોમાં સોજો, બ્રેઈનમા સોજો, આંખોમાં ઓછું દેખાવવું, અસંતુલિત સ્ટેરોયડ અને ન્યૂરો હૉસ્પિટલમાં ઈલાજ થઈ રહ્યો છે. જો જીવિત રહીશ તો કોર્ટ ચોક્કસ આવીશ.
આપણ વાંચો: માલેગાંવ બ્લાસ્ટ કેસઃ પ્રજ્ઞાસિંહ ઠાકુરે કોર્ટને આપ્યું આશ્વાસન
સાધ્વી પ્રજ્ઞાએ આ પોસ્ટ સાથે શેર કરેલા ફોટામાં તેના ચહેરા પર સોજો દેખાઈ રહ્યો છે. સાધ્વી પ્રજ્ઞા 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તે મેડિકલ ગ્રાઉન્ડ પર કોર્ટમાં હાજર રહી નથી. જે બાદ NIAએ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં ભોપાલની પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. આ કેસમાં કોર્ટનું કહેવું છે કે કેસની અંતિમ દલીલો ચાલી રહી છે અને આરોપીનું કોર્ટમાં હોવું જરૂરી છે.
સાધ્વી પ્રજ્ઞાસિંહ થોડા સમય પહેલા પણ ચર્ચામાં આવી હતી. દુકાનદારોને દુકાનો પર નામ લખવાનું કહ્યું હતું જેથી હિન્દુ અને અન્ય કોમની દુકાનોને અલગ પાડી શકાય. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં કાવડ જાત્રા સમયે તેણે આ વાત કહી હતી અને સરકારોએ આવા આદેશો પણ આપ્યા હતા, પરંતુ સુપ્રિમ કોર્ટે મનાઈ ફરમાવી આવા આદેશો રદ કરાવ્યા હતા.