નેશનલ

એનડીએના ઘટકપક્ષો દ્વારા પ્રધાનપદાંનું બલિદાન, મમતા બેનરજીએ કાઢી ઝાટકણી, સરકાર લાંબું નહીં ટકે એવો દાવો

કોલકાતા: પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ રવિવારે ભારપૂર્વક કહ્યું હતું કે કેન્દ્રની ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર લાંબું ટકશે નહીં અને ટૂંક સમયમાં તૂટી પડશે. તેમણે એવો દાવો કર્યો હતો કે આ સરકારનું ગઠન ધાકધમકી અને ડર દેખાડીને કરવામાં આવ્યું છે.

ટીએમસી દ્વારા આયોજિત શહીદ દિન રેલીને સંબોધતાં મમતાએ કોઈનું નામ લીધા વગર એનડીએમાં ભાજપના સાથી પક્ષોની કેન્દ્રીય પ્રધાનપદાંનું આર્થિક લાભ માટે બલિદાન આપવા માટે ટીકા કરી હતી.
ટીએમસીના નેતાએ આ રેલીમાં હાજરી આપનારા સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવની ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં સુંદર દેખાવ બદલ પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો : કર્ણાટકના આ ગામમાં જનમ્યું 25 આંગળીવાળું બાળક, લોકોની ભીડ જામી

કેન્દ્રની સરકાર લાંબું ટકશે નહીં. આ એક સ્થિર સરકાર નથી. તે ટૂંક સમયમાં તૂટી પડશે, એમ મમતાએ કહ્યું હતું.
એનડીએ ગઠબંધનમાં ભાજપના સાથી પક્ષોને ડરપોક અને સ્વાર્થી ગણાવ્યા હતા જેઓ આર્થિક લાભના પ્રલોભનથી દબાઈ ગયા હતા. તેમણે એવો સવાલ કર્યો હતો કે ક્યારેય કોઈએ સાંભળ્યું છે કે મંત્રાલય (પ્રધાનપદા)ના બદલામાં નાણાંની ઓફર કરવામાં આવે? તેઓ ડરપોક, બેશરમ અને સ્વાર્થી લોકો છે. તેમણે પોતાની ઓળખ ગુમાવી દીધી છે.

અખિલેશ યાદવની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં તમે જે ખેલ પાડ્યો તેને પગલે ભાજપની સરકારને રાજીનામું આપવાની ફરજ પડી છે, પરંતુ આ બેશરમ સરકાર એજન્સીઓ અને અન્ય માધ્યમોની મદદથી કેન્દ્રમાં સત્તા પર ચાલી રહી છે. તમે એજન્સીઓનો દુરુપયોગ કરીને અમને ડરાવી શકશો નહીં.

ટીએમસી સુપ્રિમોએ કહ્યું હતું કે ફક્ત બંગાળ જ ભારતનું અસ્તિત્વ ટકાવી શકશે અને બંગાળ વગર ભારત નહીં રહે.
તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે બંગાળમાં ભાજપ, કૉંગ્રેસ અને સીપીઆઈ (એમ) વચ્ચે ગુપ્ત સમજૂતી છે, જેનો હેતુ બંગાળના વિકાસકામોમાં અવરોધ ઊભો કરવાનો છે.

તાજેતરમાં બંગાળમાં થયેલા હિંસાના બનાવના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે લોકો પર અન્યાયને સહન કરવામાં આવશે નહીં અને ટીએમસીના કાર્યકર્તાઓ પણ જો દોષી હોવાનું જાણવા મળશે તો તેમને પણ છોડવામાં આવશે નહીં. હું ચાહું છું કે ટીએમસીના કાર્યકર્તાઓ લોકોના મિત્ર હોવા જોઈએ. હું બધાને ચેતવણી આપું છું કે તમારા વિરુદ્ધ કોઈ ફરિયાદ મળવી જોઈએ નહીં. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button